વ્યસ્ત કાર્યક્રમને લીધે નડાલ યુએસ ઓપનમાંથી ખસી જાય તેવી શક્યતા

June 29, 2020

મેડ્રિડ/લંડન: કોરોના મહામારી છતાં પુરુષ અને મહિલા પ્રોફેશનલ ટેનિસ પ્લેયર્સ એસોસિએશનો - એટીપી તેમજ ડબલ્યુટીએ તેની સિઝનને આગળ ધપાવવાનો નિર્ણય લઈ લીધો છે. એટીપીએ તેના ભાવિ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે, જેના કારણે ટોચના ખેલાડીઓમાં ભારે નારાજગી છે. ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતો નડાલ યુએસ ઓપનમાંથી ખસી જાય તેવી શક્યતા તેના અંકલ અને પૂર્વ કોચ ટોની નડાલે વ્યક્ત કરી છે. એટીપીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ અનુસાર અમેરિકન હાર્ડ કોર્ટ પર રમાતી યુએસ ઓપન  ગ્રાન્ડ સ્લેમ બાદ તરત જ મેડ્રિડ ઓપન ટુર્નામેન્ટ રમાશે. જ્યારે ત્યાર બાદના સપ્તાહે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમનું આયોજન કરવામાં આવશે. ઉપરાઉપરી મેજર ટુર્નામેન્ટ્સ ગોઠળવામાં આવતા નડાલ અને યોકોવિચ સહિતના ખેલાડીઓને મુશ્કેલી પડશે તે નક્કી છે. ફેડરર તો ઈજા પરની સર્જરીને કારણે ૨૦૨૦ની સિઝનમાંથી જ ખસી ગયો છે.  ટોની નડાલે કહ્યુ કે, મેં રાફા સાથે વાત કરી છે. તે પણ વિચારણાં કરી રહ્યો છે કે, કઈ ટુર્નામેન્ટમાં રમવું ? જે કોઈએ કાર્યક્રમ ઘડયો છે, તે વ્યવહારૃ નથી. ખાસ કરીને સીનિયર ખેલાડીઓ માટે કે જેઓ સતત આટલા બધા સપ્તાહ સુધી ટોચની ટુર્નામેન્ટ્સ રમી શકે નહી. એટીપીએ જે કર્યું છે તેને વિચાર્યા વિનાનું કહી શકાય. આ પ્રકારનું આયોજન નડાલ અને યોકોવિચ જેવા ખેલાડીઓની વિરૃદ્ધમાં છે. નડાલ યુએસ ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. જો તે એક પણ ટુર્નામેન્ટમાં ન રમે તો તેને ૨,૦૦૦ પોઈન્ટ્સનું નુકસાન થાય. આ પરિસ્થિતિના કારણે વર્લ્ડ રેન્કિંગમાં મોટા ફેરફારો જોવા મળે અને મેજર ટુર્નામેન્ટ રમનારા ખેલાડીઓને આગળ વધવાની તક મળે.