નામી કંપનીઓમાં ભારતીય મૂળના યુવાનોનો દબદબો

December 21, 2021

  • આઈટી કંપનીઓમાં ટોચનું પદ શોભાવવા બદલ ભારતીય ટેલેન્ટની ઈલોન મસ્ક દ્વારા પ્રશંસા
  • પરાગ અગ્રવાલ, શાંતનુ નારાયણ, સુંદર પીચાઈ, સંજય મહરોત્રા, જ્યોર્જ કુરિયન, નિકેશ અરોરા તથા દિનેશ પાલીવાલ જેવા યુવાનોને ખ્યાતનામ કંપનીઓએ મહત્વની જવાબદારી સોંપી છે
પાંચેક વર્ષ પહેલાં સુંદર પીચાઈ ગુગલના સીઈઓ બન્યા બાદ હાલમાં પરાગ અગ્રવાલ ટ્વિટ્ટરના સીઈઓ બનતા ભારતીયો ફરી એકવાર ગૌરવ અનુભવી રહ્યા છે. કેટલાકમાં ટેલેન્ટ હોય છે એ સાચું, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે સખ્ત મહેનત અને સાચા અભિગમ થકી કોઈપણ વ્યક્તિ પ્રતિભાવંત બની શકે છે.  છેલ્લા કેટલાક સમયથી વિશ્વની નામી કંપનીઓમાં ભારતીય મૂળના યુવાનો ટોચના પદ પર બિરાજમાન થઈ દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે. ખાસ કરીને સિલિકોન વેલીમાં, આઈટી જગતમાં મૂળ ભારતીય દિગ્ગજોનો દબદબો છે. 
હાલમાં જ ટ્વિટરના સીઈઓ બનેલા પરાગ અગ્રવાલ ૨૦૧૧માં ટ્વિટરમાં જોડાયા હતા. ૨૦૧૭માં તેઓ ચીફ ટેકનોલોજી ઑફિસર બન્યા હતા. તેમણે આઈઆઈટી બોમ્બેમાંથી બી.ટેક. કર્યું છે અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર તથા પીએચડીની ડીગ્રી મેળવી છે. તેમના પિતા ભારત સરકારના એટમિક એનર્જી વિભાગના અધિકારી હતા. ગાયિકા શ્રેયા ઘોષાલ પરાગની ક્લાસમેટ હતી. ૨૦૦૦ની સાલમાં જેઈઈની પરીક્ષામાં તેમણે ઇંડિયા લેવલે ૭૭મો નંબર મેળવ્યો હતો. ટ્વિટરમાં જોડાતા પહેલા તેમણે માઈક્રોસોફ્ટ રીસર્ચ અને યાહૂ રીસર્ચમાં મહત્વની કામગીરી સંભાળી હતી. તેમનો વાર્ષિક પગાર ૮ કરોડ રૂપિયા છે.
ભારતનું ગૌરવ વધારનારા બીજા યુવાનનું નામ સુંદર પિચાઈ છે. હાલ આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈ (સુંદર રાજન)નો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તેમણે આઈઆઈટી ખડગપુરમાં મેટલર્જી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. જે બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડીગ્રી મેળવી અને પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી એમ.બી.એ.નો અભ્યાસ કર્યો. ૨૦૦૪માં ગૂગલમાં જોડાયા પહેલા તેઓ મેકેન્ઝી એન્ડ કંપનીમાં કન્સ્લટન્ટ હતા. ગૂગલ ક્રોમ અને ગૂગલ ડ્રાઈવના પ્રોજેકટ મેનેજર રહ્યા છે. જીમેલ અને ગૂગલ મેપનો વિકાસ તેમની દેખરેખ હેઠળ થયો છે. ગૂગલની કલગીમાં એન્ડ્રોઈડનું છોગું ઉમેરવાનો યશ તેમને જાય છે. 
ઓગસ્ટ ૨૦૧૫થી તેઓ ગુગલના સીઈઓ છે. આલ્ફાબેટ તેની પેરેન્ટ કંપની છે અને તેના સીઈઓ પણ તેઓ જ છે. ૨૦૧૬માં ટાઈમ મેગેઝિને તેમને વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સ્થાન આપ્યું હતુ. તેમનો ઉછેર અત્યંત સામાન્ય સ્થિતિમાં થયો છે. તેમનો પરિવાર બે રૂમના મકાનમાં રહેતો હતો. અત્યારે સુંદર પિચાઈનો વાર્ષિક પગાર રૂા. ૭૫૧ કરોડ છે. દુનિયામાં ડંકો વગાડનારા સત્યા નાડેલા માઈક્રોસોફ્ટના સીઈઓ છે. તેમનો વાર્ષિક પગાર રૂા. ૩૧૫ કરોડ છે. સત્યાને અમેરિકન અને ભારતીય કવિતા વાંચવાનો ગજબનો શોખ છે. તેઓ ક્રિકેટના પણ દિવાના છે. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેમના માતા સંસ્કૃતના લેકચરર અને પિતા આઈએએસ અધિકારી હતા.
તેમણે કર્ણાટકની મણિપાલ ઈન્સ્ટિટયુટ ઑફ ટેકનોલોજીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેણે યુનિવર્સિટી ઑફ વિસ્કોસીનમાંથી માસ્ટર્સ કર્યું છે અને યુનિવર્સિટી ઑફ શિકાગોની બુથ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમ.બી.એ. કર્યુ છે. તેમણે પુસ્તક પણ લખ્યું છે, જેમનું ટાઇટલ ‘હિટ રીફ્રેશ’ છે. તેમને બે દીકરી છે અને એક દીકરો. દીકરો સેરેબ્રલ પાલ્સીનો શિકાર છે.  આ ઉપરાંત હેદ્રાબાદમાં જન્મેલા શાંતનુ નારાયણ એડોબના સીઈઓ છે. તેમનો વાર્ષિક પગાર રૂા. ૩૪૫ કરોડ છે. શાંતનુનો અભ્યાસ હૈદરાબાદની પબ્લિક સ્કૂલમાં થયો હતો. તેમણે યુનિવર્સિટી કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની ડીગ્રી મેળવી છે. ત્યારબાદ અમેરિકાના ઓહાયો સ્ટેટની બોલિંગ ગ્રીનસ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડીગ્રી મેળવી હતી. કેલિફોર્નિયાની હાસ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમ.બી.એ. પણ કર્યું છે. તેમના માતા અમેરિકન સાહિત્યના શિક્ષક હતા. જયારે પિતા પ્લાસ્ટિક કંપની ચલાવતા હતા.
એડોબમાં જોડાતા પહેલા તેઓએ મેઝરએક્સ અને એપલમાં કામ કર્યુ છે. ૨૦૧૭થી તેઓ એડોબના સીઈઓ છે. ક્રિકેટ અને નૌકાવિહારનો તેમને જબરદસ્ત શોખ છે.  અન્ય એક સિદ્ધવંતમાં સંજય મહરોત્રાનું નામ આવે છે. માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજયમહરોત્રાનો જન્મ કાનપુરમાં થયો છે. ૨૦૧૭થી તેઓ માઈક્રોનના સીઈઓ છે. તેમનો વાર્ષિક પગાર ૧૫૦ કરોડ રૂપિયા છે. સેન્ડિસ્કની પેનડ્રાઈવનો ઉપયોગ આમ તો બધાએ જ કર્યો હશે. સંજય તે સેન્ડિસ્કના તેના સહસ્થાપક હતા. તેમના પિતા કોટન ઈન્ડસ્ટ્રીમાં લાયઝનિંગ ઑફિસર હતા. મહરોત્રાને બાળપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં જબરદસ્ત રુચિ હતી. તેમના પિતાએ પુત્રના આ શોખને પોષવાનું કામ કર્યું. તેમણે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડીગ્રી અને કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે. મહરોત્રા પાસે ૭૦થી વધારે પેટન્ટ છે. 
આ ઉપરાંત નેટએપના ડિરેક્ટર જ્યોર્જ કુરિયન નેટ એપના સીઈઓ પણ છે. તેમને વાર્ષિક પગાર રૂા. ૧૦૮ કરોડ છે. તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. ૨૦૧૧માં તેઓ નેટ એપમાં જોડાયા તે બાદ ૨૦૧૫થી સીઈઓ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલાં તેઓ સિસ્કો સિસ્ટમમાં વાઈસ પ્રેસીડેન્ટ અને જનરલ મેનેજર હતા. તેમણે આઈઆઈટી મદ્રાસમાંથી પણ અભ્યાસ કર્યો છે.  જયારે પાલો અલ્ટો નેટવર્કસના સીઈઓ નિકેશ અરોરા અગાઉ ગુગલમાં સિનિયર એક્ઝિકયૂટીવ હતાં. વારાણસીની ઇંડિયન ઇન્સ્ટિટયુટ ઑફ ટેકનોલોજીમાંથી તેમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજયુએશન કર્યું છે. તેમનો જન્મ ગાઝિયાબાદમાં થયો છે. તેમના પિતા એરફોર્સ ઑફિસર હતા. બોસ્ટન કોલેજમાં પણ તેમણે અભ્યાસકર્યો છે અને નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમનો વાર્ષિક પગાર રૂા. ૧૭ કરોડ છે.  હરમન ઈન્ટરનેશનલના ડિરેકટર દિનેશ પાલીવાલ ઓસ્ટ્રેલિયા, ચીન, સિંગાપોર, ભારત અને સ્વિત્ઝર્લેન્ડમાં કામ કરી ચૂક્યા છે. તેમનો વાર્ષિક પગાર રૂા. ૧૧ કરોડ છે. આગ્રામાં જન્મેલા દિનેશે આઈઆઈટી રુર્કીમાંથી માસ્ટર્સ કર્યું છે. માયામી યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. ફાઈનાન્સનીડીગ્રી મેળવી છે. તેના પિતા રામચંદ્ર પાલીવાલ જાણીતા સામાજિક કાર્યકર હતા અને મહાત્મા ગાંધીની નજીક હતા. ફોરર્ચ્યુન મેગેઝિનની ગ્લોબલ ૧૦૦ ફૂડ એન્ડ બિવરેજ કંપનીની યાદીમાં નામ મેળવનાર નેસ્લેના પણ તેઓ બોર્ડ સદસ્ય રહી ચૂક્યા છે. 
વાર્ષિક રૂા. ૧૩૨ કરોડનો પગાર ધરાવતા આઈબીએમના સીઈઓ અરવિંદ ક્રિષ્નાનો જન્મ આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં થયો છે. તેમના પિતા ભારતીય સેનામાં મેજર જનરલ હતા. તેમણે આઈઆઈટી કાનપુરમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં બી.ટેક.ની ડીગ્રી મેળવી છે. યુનિવર્સિટી ઑફ ઇલિનોઈસમાંથી પીએચ.ડી. કર્યું છે. ૧૯૯૦માં આઈબીએમમાં જોડાયા અને ૨૦૨૦થી તેઓ આ કંપનીના સીઈઓ તથા જાન્યુઆરી ૨૦૨૧થી ચેરમેન રહી ચૂક્યા છે. ભારતની યથગાથા વધારનારામાં વધુ એક નામ રઘુ રઘુરામનું છે.વીએમવેર સીઈઓ રઘુ રઘુરામે ઇંડિયન ઇન્સ્ટિટયુટ ઑફ ટેકનોલોજી મુંબઈ ખાતેથી માસ્ટર્સ ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે વોર્ટન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમ.બી.એ. કર્યું છે. વીએમવેરમાં જોડાતા પહેલાં તેઓ નેટ્સકેપ બેંગ નેટવર્ક અને એઓએલમાં કામ કરી ચૂક્યા છે. તેમનો વાર્ષિક પગાર ૧૦૦ કરોડ રૂપિયા છે. 
વીએમવેર ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં કામ કરે છે. જે ડેટા ઑનલાઈન સ્ટોર થાય છે તે જગ્યાને ક્લાઉડ કહેવામાં આવે છે. વેબસાઈટ્સ ઉપર તમે તમારો ડેટા અપલોડ કરીને તમે ઓ.કે. દબાવો કે તરત રીપોર્ટ તૈયાર થઈને બહાર આવી જાય તે પણ ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંતર્ગત આવે છે.  ઇલોન મસ્કે અમેરિકામાં ટોચની આઈટી કંપનીઓમાં ટોચનું પદ શોભાવવા બદલ ભારતીય ટેલેન્ટની પ્રશંસા કરી છે. 
વિદેશી કંપનીઓમાં સીઈઓ પદ પર સાઉથ ઇન્ડિયનોનો પણ છેલ્લાં કેટલાક સમયથી દબદબો વર્તાય રહ્યો છે. અત્યાર સુધી જે લોકોએ આ સિદ્ધિ મેળવી છે તેમાં અંજલી સૂદ, રેવતી અદ્વૈતી, જયશ્રી ઉલ્લાલ, પ્રિયા લાખાણી અને નીતા માધવ જેવી ભારતીય મહિલાઓના નામ પણ નોંધમાં છે.
પ્રાસંગિકઃ ધવલ શુક્લ