નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત, ચીન ફરી રઘવાયું

August 06, 2022

અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસીએ આખરે ચીનની કે કોઈ વિવાદની પરવા કર્યા વિના તાઈવાનની મુલાકાત કરી. હવે ચીન આ બાબતથી અકળાયુ છે અને ગુરુવારે તેણે તાઈવાન ઉપર 11 જેટલી બેલેસ્ટિક મિસાઈલ દાગી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ અમેરિકા અને ચીન વચ્ચે ફરી મોટી તકરાર થવાની સંભાવના છે.
આમ તો ચીન અને જગતજમાદાર અમેરિકા વચ્ચે લાંબા સમયથી મતભેદો હોવાને કારણે ખટપટ ચાલ્યા કરે છે. અમેરિકાની કોઈ વાતને ચીન માનતુ નથી. તેથી અમેરિકા પણ ચીનને કોઈને કોઈ રીતે ભેરવવા પેંતરા કરતું રહે છે. ચીન નજીક આવેલા તાઈવાનને ચીન તેવો વિસ્તાર માને છે. તેથી દુનિયાના અનેક દેશોને તેણે આ મુદ્દે દખલગીરી ન કરવા ચેતવણી આપી છે. આમ છતાં અમેરિકાના નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાતની યોજના ઘડી. નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત પહેલાના ૨૫ વર્ષમાં અમેરિકાના કોઈ ટોચના રાજકારણીએ તાઈવાનની મુલાકાત લીધી નથી. તેથી અમેરિકાનું આ પગલું ચોક્કસ ગણતરી હેઠળ હોવાનું મનાય છે. આ પહેલાં ચીને દુનિયા સમક્ષ જાહેર કર્યું હતુ કે, ચીન તાઈવન મુદ્દે કોઈ ગુસ્તાખી સહન કરી લેશે નહીં.
તાઈવાન દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનથી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર આવેલો ટાપુ છે. ૧૯૪૯ સુધી તાઈવાન ચીનનો એક ભાગ હતું, જે રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્ય ચીનમાં નેશનાલિસ્ટ ગવર્નમેન્ટ સૈન્ય અને સામ્યવાદી પક્ષના સૈન્ય વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં માઓ ઝેદાંગની આગેવાની હેઠળના પિપલ્સ લિબરેશન આર્મીનો વિજય થયો. કુઓમિન્ટાંગ નામની નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ચિયાન્ગ કાઈ શેક ભાગીને તાઈવાન પહોંચી ગયા. ત્યાં રહીને તેમણે પોતાનું શાસન ચાલુ રાખ્યું.  
મુખ્ય ચીનમાં સામ્યવાદી પક્ષનું શાસન ચાલુ રહ્યું, જ્યારે તાઈવાનમાં કેએમટી પક્ષે લાંબો સમય રાજ કર્યું. મુખ્ય ચીન પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના તરીકે ઓળખાયું, જ્યારે તાઈવાને રિપબ્લિક ઓફ ચાઈનાનું નામ ચાલુ રાખ્યું. તાઈવાનમાં ૧૯૪૯થી લઈને ૧૯૮૭ સુધી લશ્કરી રાજ હતું, જેની ધુરા કેએમટી પાર્ટીના નેતાઓના હાથમાં જ હતી. આ દરમિયાન તાઈવાનમાં કોઈ પણ રાજકીય વિરોધને કચડી નાખવામાં આવતો હતો. તાઈવાનના સ્થાનિક લોકોને કચડવામાં આવતા હતા. ૧૯૯૨માં તાઈવાનનું પહેલું બંધારણ બન્યું, 
જે મુજબ ૧૯૯૨માં પહેલી વખત સંસદની ચૂંટણી થઈ અને ૧૯૯૬માં પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ દરેક ચૂંટણીમાં શાંત સત્તાપરિવર્તન થતું આવ્યું છે. ૧૯૯૨માં ચીનના સામ્યવાદી પક્ષ અને તાઈવાનના તત્કાલીન શાસક પક્ષ કેએમટી વચ્ચે એક કરાર થયો હતો, જે મુજબ એક ચીનના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ચીન તેના નકશામાં મુખ્ય ચીન ઉપરાંત મોંગોલિયા, તાઈવાન અને તિબેટને પણ દર્શાવતુ આવ્યું છે. જેને વન ચાઈના પોલિસી કહેવામાં આવે છે. ૨૦૧૬માં તાઈવાનમાં ત્સાઈ ઇંગ વેનની સરકાર આવી તે પછી તેણે વન ચાઈના નીતિ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મોંકાણ મંડાવવાની શરૃઆત થઈ હતી. તેમણે અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદી પોતાના લશ્કરને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા માંડ્યું હતું.
બીજી તરફ ચીન વારંવાર કહે છે કે ચીન એક છે, એક હતું અને એક રહેશે. તેણે પિપલ્સ લિબરેશન આર્મીને ચીનને એક કરવાનું કામ સોંપ્યું છે. તાઈવાન વગેરે દેશો પોતાને રિપબ્લિક ઓફ ચાઈનાનો ભાગ ગણે છે, પણ તેઓ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના ગુલામ બનવા માગતા નથી. ચીનની જે લશ્કરી તાકાત છે, તેની સામે તાઈવાનની લશ્કરી તાકાતને નહિવત ગણી શકાય. જો ચીન તાઈવાન પર હુમલો કરે તો અમેરિકાની મદદ વગર તે પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી શકે તેમ નથી.
આ તરફ અમેરિકાનો દાવો છે કે, તેઓ એક ચીનની નીતિનો સ્વીકાર કરે છે, પણ સામ્યવાદી ચીનની સરકાર તેની એકમાત્ર સરકાર છે, તે અમેરિકાને માન્ય નથી. આ કારણે અમેરિકા તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો પણ રાખે છે. અમેરિકા કહે છે કે, નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત તેમની ખાનગી મુલાકાત હતી અને અમેરિકન સરકારને તેની સાથે કોઈ નિસબત નહોતી. તેમ છતાં તાઈવાન ઉપર ચીન હુમલો કરે તો તેને રક્ષણ આપવા અમેરિકા દ્વારા ફિલિપાઇન્સના સમુદ્રમાં રોનાલ્ડ રેગન નામનું વિમાનવાહક જહાજ અત્યારથી જ મોકલી દેવાયું છે. ચીન હાલના તબક્કે અમેરિકા સાથે યુદ્ધ ઇચ્છતું ન હોવાથી તેણે નેન્સી પેલોસીની મુલાકાતને પરાણે સ્વીકારી લીધી છે. ૧૯૭૯ સુધી અમેરિકા રિપબ્લિક ઓફ ચાઈનાને એક દેશ ગણતું હતું અને તેની સાથે રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. ૧૯૭૯માં તેણે પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સાથે રાજદ્વારી સંબંધો જોડ્યા તે સાથે તેના રિપબ્લિક ઓફ ચાઈના સાથેના સંબંધોનો પણ અંત આવ્યો હતો, જેમાં તાઈવાનનો પણ સમાવેશ થતો હતો. 
સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ તાઈવાનને ચીનનો એક ભાગ ગણતું હોવાથી તેણે તાઈવાનને પોતાના સભ્ય તરીકે પ્રવેશ આપ્યો નથી. તાઈવાનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનાવવાનો કોઈ પણ પ્રસ્તાવ આવે તો ચીન વિટો વાપરીને તેને ઉડાવી દેતું હોય છે. જો કે, અમેરિકા તાઈવાન સાથે વેપારી સંબંધો રાખે છે અને તેને શસ્ત્રો વેચાણનો કારભાર પણ યથાવત રાખે છે. તાઈવાન માટેની અમેરિકી નીતિ પહેલાંથી જ ગૂંચવાડાથી ભરેલી છે. અમેરિકા એક બાજુ કહે છે કે તે તાઈવાનની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપતું નથી. તો બીજી બાજુ તે કહે છે કે, જો ચીન તાઈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા તાઈવાનની મદદ કરશે. ટ્રમ્પના સત્તાકાળમાં તાઈવાનની રાજધાની તાઇપેઇમાં ૨૫ કરોડ ડોલરના ખર્ચે અમેરિકી સંકુલ તૈયાર કરવામાં આવ્યું હતું, જે બિનસત્તાવાર રીતે અમેરિકાની એલચી કચેરીનું કામ કરે છે.  હવે અમેરિકાની આક્રમક નીતિને કારણે તાઈવાનના મુદ્દે ગમે ત્યારે ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળી શકે તેમ છે. 
જો કે અમેરિકા સામે યુદ્ધ જાહેર કરતાં પહેલાં ચીન રશિયાનો ટેકો મેળવવો પડે તેમ છે.
નેન્સી પેલોસીની મુલાકાત પછી ચીન તરફથી તાઈવાન પાસે બેલેસ્ટિક મિસાઈલ દાગવામાં આવી અને લડાકુ વિમાન અને જહાજ ઉડાડવામાં આવ્યા છે. બીજી બાજુ આ ઘટનાક્રમથી હતાશ થયા વિના તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેને જણાવ્યું કે તેઓ વિવાદને ઉશ્કેરશે નહિ પરતું તેમના દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડતાનું રક્ષણ કરશે. ત્સાઈએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ચીન તરફથી થઈ રહેલી લશ્કરી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી છે.