યુએસ ઓપનમાં નાઓમી ઓસાકા ત્રણ વર્ષમાં બીજી વખત ચેમ્પિયન

September 14, 2020

ન્યૂયોર્ક: વિશ્વની નવમી ક્રમાંકિત જાપાનની નાઓમી ઓસાકાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. જાપાનીઝ ખેલાડીએ ફાઇનલમાં બેલારસની વિક્ટોરિયા  અઝારેન્કોને ૧-૬, ૬-૩, ૬-૩થી હરાવીને ત્રણ વર્ષના ગાળામાં બીજી વખત આ ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. તે ૨૬ વર્ષમાં પ્રથમ સેટ હાર્યા બાદ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની છે. આ પહેલાં ૧૯૯૪માં સ્પેનની અરાંત્ઝા  સાંચેઝ વિકારિયોએ સ્ટેફી ગ્રાફ સામે પ્રથમ સેટ ગુમાવ્યો હોવા છતાં ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ઓસાકાની વિનર તરીકે ત્રણ મિલિયન ડોલર (લગભગ ૨૨ કરોડ ૫૪ લાખ રૂપિયા) મળશે. જોકે  ગયા વર્ષની સરખામણીમાં ૮.૫૦ લાખ ડોલર ઓછા આપવામાં આવ્યા છે. ઓસાકાએ પ્રથમ સેટ ૧-૬થી ગુમાવી દીધી હતો પરંતુ તેણે વળતો પ્રહાર કરીને બીજા બે સેટ પોતાના નામે કરી લીધા હતા. ૨૨ વર્ષીય જાપાનીઝ  ખેલાડીએ કારકિર્દીમાં ત્રીજો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. ઓસાકાએ ૨૦૧૮માં પણ યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. તે સમયે તેણે અમેરિકાની સેરેના વિલિયમ્સને ફાઇનલમાં હરાવી હતી. એક વર્ષ બાદ તેણે  ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ઓસાકાએ સેમિફાઇનલમાં જેનિફર બ્રાડીને ૭-૬ (૧), ૩-૬, ૬-૩થી હરાવી હતી.