નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા બ્રિટનનાં મહારાણી કરતા વધુ ધનિક, અક્ષતા પાસે ઇન્ફીના 4,300 કરોડના શેર, પતિની સંપત્તિ 2,000 કરોડ

November 29, 2020

લંડન : ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાં સામેલ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ ઋષિ સુનક બ્રિટનના નાણામંત્રી છે. પોતાની સંપત્તિ જણાવવામાં પારદર્શિતા ન દાખવવા બદલ તેઓ નિશાના પર આવી ગયા છે. વાત એમ છે કે નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાની ઇન્ફોસિસમાં 0.91% હિસ્સેદારી છે, જેનું મૂલ્ય 4,300 કરોડ રૂ. છે. પરિવારની કંપનીઓમાં હિસ્સેદારીને કારણે અક્ષતા બ્રિટનની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે. ‘સન્ડે ટાઇમ્સ’ની યાદી મુજબ તે બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ (દ્વિતીય)થી પણ ધનિક છે. મહારાણી પાસે 3,500 કરોડ રૂ.ની સંપત્તિ છે.


‘ધ ગાર્ડિયન’ અખબારે દાવો કર્યો છે કે અક્ષતા બીજી પણ ઘણી કંપનીઓમાં ડાયરેક્ટર છે પણ ઋષિએ સરકારી રજિસ્ટરમાં તેનો ઉલ્લેખ નથી કર્યો. ઋષિ પાસે 2,000 કરોડ રૂ.ની સંપત્તિ છે. તેઓ બ્રિટનના સૌથી ધનિક સાંસદ પણ છે. નોંધનીય છે કે બ્રિટનમાં દરેક મંત્રીએ તેમના એવા તમામ નાણાકીય હિત જાહેર કરવા જરૂરી છે કે જેનાથી કર્તવ્ય નિભાવવા દરમિયાન હિતોનું ઘર્ષણ થઇ શકે તેમ હોય. ઋષિએ ગયા મહિને રજિસ્ટરને આપેલી માહિતીમાં અક્ષતા સિવાય કોઇનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે માત્ર એટલું જણાવ્યું છે કે અક્ષતા નાની કંપની કેટામારાન વેન્ચર્સ યુકે લિ.ની માલિક છે પરંતુ લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અક્ષતાના અને તેમના પરિવારના બ્રિટનમાં બીજા ઘણાં નાણાકીય હિત છે.