આઝાદી બાદ રામલલ્લના દર્શન કરનાર નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા

August 05, 2020

અયોધ્યા :  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી આઝાદી બાદનાં એવાં પહેલા વડા પ્રધાન છે કે જેઓએ રામલલ્લાનાં દર્શન કર્યા હતા. જો કે, આ અગાઉ નરેન્દ્ર મોદીથી પહેલાં ઈન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંઝી અને અટલ બિહારી વાજપેયી પણ વડા પ્રધાન રહેતાં અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. પણ તેઓએ રામ જન્મભૂમિથી દૂરી બનાવી રાખી હતી. રામલલ્લાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી તેઓએ રામલલ્લાની મુલાકાતથી દૂર રહ્યા હતા.

પીએમ મોદી આ અગાઉ બે વખત અયોધ્યાની મુલાકાતે આવી ચૂક્યા છે. પહેલી વખત પીએમ મોદી 1992માં અયોધ્યામાં આવ્યા હતા. અને 2019ની લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા જિલ્લામાં જનસભાને સંબોધન કરવા માટે પીએમ મોદી અયોધ્યા આવ્યા હતા. પણ તેઓએ રામલલ્લાના દર્શન કર્યા ન હતા. 29 વર્ષ બાદ પીએમ મોદી રામ જન્મભૂમિ આવ્યા હતા. 29 વર્ષ પહેલાં પત્રકારે સવાલ કર્યો હતો કે, હવે ફરી ક્યારે રામ જન્મભૂમિની મુલાકાત કરશો. તે સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રામ મંદિર બની ગયા બાદ હું મુલાકાત કરીશ.

ઈન્દિરા ગાંધી

દેશની આઝાદી બાદ પહેલીવાર વડા પ્રધાન બનવા પર ઈન્દિરા ગાંધીએ 1966માં અયોધ્યાની મુલાકાત કરી હતી. અયોધ્યામાં નયા ઘાટ પર બનેલાં સરયૂ પૂલના લોકાર્પણ માટે ઈન્દિરા ગાંધી અયોધ્યા પહોંચ્યા હતા. પણ આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તે પરત નીકળી ગયા હતા. અને બીજી વખત 1979માં ઈન્દિરા ગાંધી અહીં આવ્યા હતા, પણ તે સમયે હનુમાનગઢીમાં બજરંગબલીની પૂજા અર્ચના કરી હતી. અને 1975માં ત્રીજી વખત આચાર્ય નરેન્દ્રદેવ કૃષિ એવં પ્રૌદ્ધોયોગિક વિશ્વવિદ્યાલયનનો શિલાન્યાસ કર્યો હતો. પણ એકપણ વખત ઈન્દિરા ગાંધીએ રામલલ્લાના દર્શનક કર્યા ન હતા.

રાજીવ ગાંધી

રાજીવ ગાંધી વડા પ્રધાન રહેતાં બે વખત અયોધ્યા આવ્યા હતા. રાજીવ ગાંધી પીએમ હતા તે સમયગાળા એટલે કે 1986માં બાબરી મસ્જિદનું તાળું ખૂલ્યું અને 1989માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1984માં રાજીવ ગાંધીએ અયોધ્યામાં ચૂંટણી જનસભા સંબોધી હતી. અને 1989ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અહીંથી ચૂંટણી પ્રચાર શરૂ કરવાનો ઉદ્દેશ રાજનૈતિક લાભ લેવાનો હતો. અને આ બાદ વિપક્ષમાં રહેતાં 1990માં સદભાવના યાત્રા દરમિયાન અયોધ્યા આવ્યા હતા. પણ રામલલ્લાના દર્શન-પૂજા કર્યા ન હતા. 2016માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હનુમાનગઢીમાં બજરંગબલીના દર્શન કર્યા હતા.

અટલ બિહારી વાજપેયી

બીજેપીના પહેલાં વડા પ્રધાન બનેલાં અટલ બિહારી વાજપેયી અયોધ્યા અનેક વખત ગયા હતા. પણ વડા પ્રધાન રહેતાં તેઓ ફક્ત 2 વખત જ અયોધ્યા ગયા હતા. 2003માં મંદિર આંદોલનનો પ્રમુખ ચહેરો રહેલાં રામચંદ્રદાસ પરમહંસના નિધન પર તે અયોધ્યા ગયા હતા. સરયૂ તટ પર તેઓએ પરમહંસને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, રામ મંદિરનું સ્વપન અવશ્ય પૂરું થશે. આ અગાઉ 2004માં પણ તેઓ ચૂંટણી સભાને સંબોધન કરવા ત્યાં પહોંચ્યા હતા. પણ તેઓએ રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લીધી ન હતી.