નેશનલ ગેમ્સ : ટેબલ ટેનિસમાં માનુષ-કૃત્વિકા મિક્સ ડબલ્સની ફાઈનલમાં

September 24, 2022

અમદાવાદ: નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં ચાલી રહેલી ટેબલ ટેનિસની ઈવેન્ટમાં આવતીકાલે પાંચ ગોલ્ડ મેડલ દાવ પર લાગશે. મેન્સ અને વિમેન્સ સિંગલ્સની સાથે સાથે મેન્સ, વિમેન્સ અને મિક્સ ડબલ્સના ગોલ્ડ મેડલવિજેતા આવતીકાલે નક્કી થશે. ગુજરાતનો માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ મિક્સ ડબલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે હરમીત દેસાઈ અને માનવ ઠક્કર તેમજ માનુષ શાહ અને ઈશાન હિંગોરાનીની જોડી મેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં હારતાં તેમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. મેન્સ સિંગલ્સમાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય સ્ટાર હરમીત દેસાઈ અને માનુષ શાહ પોતપોતાના મુકાબલા જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશ્યા હતા. ભારતનો ટોચને ટેબલ ટેનિસ સ્ટાર અંચત શરથ કમલને પીઠની ઈજાના કારણે ખસી જવું પડયું હતુ. માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ સેમિ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના અનિર્બાન ઘોષ અને મોઉમા દાસની  જોડીને ૩-૨થી ભારે સંઘર્ષ બાદ હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેમનો મુકાબલો તેલંગણા સામે થશે.
મેન્સ ડબલ્સમાં ગુજરાતની બંને જોડીઓનો પશ્ચિમ બંગાળની જોડીઓ સામે પરાજય થયો હતો. હવે પશ્ચિમ બંગાળની બે જોડીઓ ફાઈનલમાં ટકરાશે. જ્યારે વિમેન્સ ડબલ્સમાં પશ્ચિમ બંગાળ અને કર્ણાટક વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે. ગુજરાતની કૃત્વિકા સિન્હા-રોય અને ફ્રેનાઝ છિપીયાની જોડી મહારાષ્ટ્રના દિયા ચિતાલે અને સ્વસ્તિકા ઘોષ સામેની ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ હતી. ગુજરાતના હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સની ક્વાર્ટરમાં મહારાષ્ટ્રના દીપિત પાટિલને ૪-૦થી અને ગુજરાતના માનુષ શાહે તેલંગણાના ફિડેલને ૪-૨થી પરાજીત કર્યો હતો. જી. સાથિયાને ગુજરાતના માનવ ઠક્કર સામે ૪-૧થી જીત હાંસલ કરી હતી. જ્યારે હરિયાણાના સૌમ્ય જીત ઘોષ સામેની મેચમાં શરથ કમલ ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો ત્યારે તે ૨-૧થી પાછળ હતો. હવે સાથિયાન અને હરમીત ટકરાશે. જ્યારે માનુષનો મુકાબલો સૌમ્યજીત સામે થશે. ગુજરાતની કૃત્વિકા સિન્હા રોય વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હીની મનિકા બત્રા સામે ૨-૪થી હારતા બહાર ફેંકાઈ હતી. પશ્ચિમ બંગાળની સુતીર્થા મુખર્જી, મહારાષ્ટ્રની દીયા ચિતાલે અને તેલંગણાની શ્રીજા અકુલાએ અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો.