નેશનલ હેરાલ્ડ કેસ : કોવિડ માંદગીને લીધે સોનિયા ગાંધીએ ED પાસે વધુ મુદત માગી

June 22, 2022

- કોવિડ અને ફેફસામાં લાગેલા ચેપથી પીડાતા સોનિયા ગાંધીને ઘરમાં જ સંપૂર્ણ આરામ લેવા કહેવાયુ છે : જયરામ રમેશ


દિલ્હી : કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને કોવિદ અને ફેફસામાં લાગેલા ચેપને લીધે હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા તે પછી તેઓને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે તેમ છતાં તેઓની તંદુરસ્તી હજી પૂરી સુધરી નથી. તેથી તેઓએ ED ઑફિસમાં હાજર થવા માટે થોડા વધુ સપ્તાહોની મુદત માંગી છે.

આ પૂર્વે ED એ તેઓને તા. ૨૩મી જૂને ઇડીના મુખ્ય મથકે હાજર થવા સમન્સ મોકલ્યો હતો તે સર્વવિદિત છે. કોંગ્રેસના નવનિયુક્ત 'કોમ્યુનિકેશન ઇનચાર્જ' જયરામ રમેશે તેઓના ટ્વિટ ઉપર લખ્યું હતં ઃ  ' કોવિદ અને ફેફસાના સંક્રમણને લીધે સોનિયા ગાંધીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા પછી તેઓને રજા પણ આપવામાં આવીહતી પરંતુ સાથે તેઓને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓએ ઘરમાં જ સંપૂર્ણ આરામ લેવો. આથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ઇડી પાસે થોડા વધુ સપ્તાહોની મુદત માગતા જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ રીતે સાજા થશે પછી ઇડી સમક્ષ હાજર થશે.

સોનિયા ગાંધી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેઓને સોમવારે ડિસ્ચાર્જ અપાયો હતો. તેઓને નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા તેઓના પુત્ર રાહુલ ગાંધીની ઇડીએ પાંચ દિવસ સુધીમાં ૫૦ કલાક તે કેસ સંબંધે પૂછપરછ કરી હતી.