નવાબ મલિકે કરી ચોંકાવનારી ટ્વિટ્સ, પુછ્યું- કોણ છે Fletcher Patel? જવાબ આપે NCB

October 16, 2021

નવી દિલ્હી: ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ બાદ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક સતત NCBની કાર્યશૈલી સામે સવાલો કરી રહ્યા છે. તેમણે શનિવારની ટ્વિટમાં લખ્યું હતું કે, આ વખતે હું NCBના બીજા પણ ખોટા કામોનો પર્દાફાશ કરીશ. જોકે આ વખતે તેઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા નહીં પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ખુલાસાઓ કરશે. તેમણે આવી કેટલીક ટ્વિટ્સ પણ કરી છે. નવાબ મલિકે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ઘેરતા સવાલ કર્યો હતો કે, Fletcher Patel કોણ છે? તેનો એનસીબી અને તેના એક અધિકારી સાથે શું સંબંધ છે? આ તસવીરમાં Fletcher Patel કોઈકના સાથે જોવા મળી રહ્યા છે જેને તેઓ 'માય લેડી ડોન' કહે છે. આ 'લેડી ડોન' કોણ છે? અગાઉ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપના કાર્યકર મનીષ ભાનુશાલી અને કેપી ગોસ્વામીના રોલને લઈ સવાલો કર્યા હતા. તેમણે ક્રૂઝ પર પાડવામાં આવેલા દરોડાને પણ બોગસ ઠેરવી દીધા હતા. 
નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, એનસીબીએ જે રીતે તેમના જમાઈને ફસાવેલો એવી રીતે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવુડમાં શરૂ થયેલી ડ્રગ્સની તપાસ દરમિયાન નવાબ મલિકના જમાઈની પણ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ સમીર ખાનને જામીન મળી શક્યા છે.