ચીન પાસેથી આયાત વધારવા નેપાળે બોર્ડર પોઈન્ટ ખોલ્યો

June 28, 2020

 

કાઠમંડૂ :ચીન પાસેથી આયાત વધારવા નેપાળે નવો બોર્ડર પોઈન્ટ ખોલ્યો છે. ચીન-નેપાળ વચ્ચે ફરીથી આયાત-નિકાસ શરૂ થશે. ભારત સાથે તંગદિલી ચાલી રહી છે એ દરમિયાન નેપાળે ચીન પાસેથી આયાત વધારી છે.

ભારત-નેપાળના સંબંધો તંગ બન્યા છે. નેપાળ ભારત પાસેથી જરૂરી ચીજવસ્તુઓની આયાત કરતું હતું, પરંતુ હવે નેપાળે ભારતને બદલે ચીન પાસેથી આયાત વધારવાનું નક્કી કર્યુ છે. નેપાળ ચીન પાસેથી આયાત વધારવા રસુઆગઢી બોર્ડર પોઈન્ટ ખોલશે.

બંને દેશો વચ્ચે આયાત માટે બે બોર્ડર પોઈન્ટ છે. કોરોનાના કારણે નેપાળે ચીનથી થતી ચીજવસ્તુઓની આયાત બંધ કરી હતી અને બંને બોર્ડર પોઈન્ટ્સ પણ બંધ હતા, પરંતુ હવે નેપાળના મીડિયાના અહેવાલો પ્રમાણે રસુઆગઢીના બોર્ડર પોઈન્ટના રસ્તે ચીન નેપાળને જરૂરી સામાન આપશે.

તોતોપાની નામનો એક બીજો બોર્ડર પોઈન્ટ પણ છે, જ્યાંથી બંને દેશો વચ્ચે આયાત-નિકાસ થાય છે. નેપાળના અિધકારીઓને ટાંકીને કહેવાયું હતું કે આવતા સપ્તાહથી બંને દેશો વચ્ચેના બોર્ડર પોઈન્ટ ખોલી નાખવામાં આવશે.

દરમિયાન નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં ભારત સાથેના સંબંધો અંગે ચર્ચા થઈ. હાજર સભ્યોમાંથી ઘણાએ નેપાળ-ભારત સાથે બેઠક કેમ ન થઈ તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જોકે, વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવાડીએ કહ્યું હતું કે નેપાળ ભારત સાથે બેઠક કરવા તૈયાર હતું, પરંતુ ભારતે એવો કોઈ સંકેત આપ્યો ન હતો.

નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી પ્રથમ બે દિવસ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકનો દોર મંગળવારે આગળ વધશે. વડાપ્રધાન હાજર ન રહેતા પાર્ટીના સિનિયર નેતાઓએ એ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ વડાપ્રધાન કાર્યાલયે તબિયત ખરાબ હોવાનું કારણ આગળ ધર્યું હતું.