નેપાળ પોતાના નવા નકશાને UN અને ગુગલને મોકલશે, ત્રણ ભારતીય વિસ્તારો પર દાવો

August 01, 2020

નવી દિલ્હી- નેપાળ આ મહિનાના મધ્ય સુધીમાં દેશનો નવો નકશો ભારત, સંયુક્ત રાષ્ટ્ર, ગૂગલ અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયોને મોકલશે. નેપાળનાં ભૂમિ મામલાના પ્રધાન પદ્મા એરિયલે શનિવારે (1 ઓગસ્ટ) ન્યુઝ એજન્સી એએનઆઈને આ વાત કહી હતી. નેપાળના નવા નકશામાં ભારતની સરહદે આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો કર્યો છે.


ભારતનો સખત વિરોધ હોવા છતાં નેપાળની સંસદે ગત 18 જૂને બંધારણમાં સુધારો કરીને નવા રાજકીય નકશાને અપડેટ કરવા માટે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતના ત્રણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. નેપાળના નકશામાં પરિવર્તન અને નેપાળી સંસદના નીચલા ગૃહમાં કેટલાક ભારતીય પ્રદેશોના સમાવેશને લગતા બંધારણ સુધારણા બિલ પસાર થવા પર ભારતે 13 જૂને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ કૃત્રિમ વિસ્તરણ પુરાવા અને ઐતિહાસિક તથ્યોના પર આધારિત નથી અને "માન્ય" પણ નથી.


ભારતે નવેમ્બર 2019માં એક નવો નકશો બહાર પાડ્યો હતો, ત્યારબાદ લગભગ છ મહિના પછી નેપાળે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પોતાનો દાવો રજૂ કરતાં આ વર્ષે મે મહિનામાં દેશનો સુધારેલો રાજકીય અને વહીવટી નકશો બહાર પાડ્યો. બંધારણ સુધારણા બિલ નેપાળી સંસદના ઉપલા ગૃહ નેશનલ એસેમ્બલી દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ પછી નકશાને નેપાળના રાષ્ટ્રીય પ્રતીકમાં બદલવાનો માર્ગ સાફ થઈ ગયો હતો.