24 કલાકમાં કોરોનાના નવા 39 હજાર કેસ, 546નાં મોત

July 25, 2021

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 39 હજાર કેસો સામે આવ્યા હતા. જ્યારે આ દરમિયાન વધુ 546 લોકોના મોત નિપજ્યા હતા. જેને પગલે કુલ મૃત્યુઆંક વધીને 4.20 લાખે પહોંચ્યો હતો. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખે પહોંચી છે.

એક્ટિવ કેસોમાં છેલ્લા એક દિવસમાં 3464 કેસોનો વધારો થયો છે. બીજી તરફ 24 કલાકમાં કોરોના વાઇરસના 16.31 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી કુલ ટેસ્ટનો આંકડો વધીને 45 કરોડને પાર પહોંચ્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. માત્ર શનિવારે જ રસીના 46 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યો પાસે હજુ પણ રસીના 2.98 કરોડ ડોઝ ઉપલબૃધ છે.  સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.22 ટકાએ પહોંચ્યો હતો.