કેનેડા આવનારા વિમાની પ્રવાસીઓ માટે નવા કોવિડ ટેસ્ટીંગનો નિયમ અમલી

January 12, 2021

નેગેટિવ રિપોર્ટ હોય તો પણ કેનેડા આવનાર પ્રવાસીએ ૧૪ દિવસ ક્વોરોન્ટાઈન રહેવું પડશે
ઓટાવા : સાતમી જાન્યુઆરીથી કેનેડામાં આવનારા કોઈ પણ વિમાની પ્રવાસીએ કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ર્ટ બતાવવો જરૂરી બનશે. જે ફલાઈટમાં બેસતા પહેલાનો હોવોે જોઈશે. પાંચ વર્ષ અને તેથી વધુ વયના પ્રવાસીઓએ નેગેટિવ પીસીઆર ટેસ્ટ નિર્ધારિત પ્રવાસના ૭ર કલાકમાં કરાવવો જરૂરી છે અને એ 
વિમાનમાં બેસતા પહેલા એરલાઈનને આપવો પડશે. આ જાહેરાત સરકારે મંગળવારે કરી હતી, કેમકે લિબરલ પાર્ટીએ વેકેશન માણવા વિદેશ પ્રવાસે ગયેલા કેનેડિયનોને તૈયારી માટે સમય મળે એવી માંગણી કરી હતી. જો કે, નેગેટિવ રિપોર્ર્ટ હોય તો પણ પ્રવાસીઓએ કેનેડા આવ્યા બાદ ૧૪ દિવસનો કવોરન્ટાઈન પાળવો પડશે. 
કેનેડા પહોંચ્યા બાદ તેમણે ફેડરલ અધિકારીઓ સમક્ષ પોતાનો કવોરન્ટાઈન પ્લાન જણાવવો પડશે. જો એ સંતોષકારક ન જણાય તો તેમણે સરકારી કવોરન્ટાઈન સુવિધાનો ઉપયોગ કરવો પડશે. ર૦ર૧ શરૂ થાય એના થોડા કલાક પહેલા જારે કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશમાં વેકેશન ગાળી રહેલા કેનેડિયનો કોવિડ -૧૯ ટેસ્ટ કરાવી લે. જેથી તેમના પરત ફરવાના સમયમાં વિલંબને ટાળી શકાય. કેનેડાના કેબિનેટ મિનીસ્ટરોએ અન્ય દેશોની જેમ જ પીસીઆર ટેસ્ટને પ્રવાસ માટે આવશ્યક ગણાવવાનું નક્કી કર્યાના બીજા દિવસે આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, આ ટેસ્ટ નોવેલ કોરોના વાઈરસનું સચોટ નિદાન કરનારો હોવાથી એને આવશ્યક બનાવાયો છે. ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર માર્ક ગ્રેનેઉએ બુધવારે એરલાઈન્સ સાથે મુલાકાત યોજી સરકારના નિર્ણયની સવિસ્તર જાણ કરી હતી અને એનો અમલ સાતમી જાન્યુઆરીથી શરૂ કરવા જણાવ્યું હતું. સરકારના આ નવા નિયમો માત્ર હવાઈ પ્રવાસીઓ માટે જ છે. એ વિશે વાંધો ઉઠાવતા બ્લોક કયુબેકિયન નેતા વાયવેસ ફ્રાન્કોઈસ બ્લેન્ચેટે કહ્યુંં હતું કે, આ નિયમ તમામ પ્રકારના આગમન ઉપર લાગુ પાડવો જોઈએ.