માનવજાતને નવો રોગ: ગેમિંગ ડિસઓર્ડર

January 08, 2022

  • ફિલ્મી દુનિયા કરતા પણ મોટી વીડિયો ગેમ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક આવક 12,00,00 કરોડ
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસ મુજબ વીડિયો ગેમ રમનારાઓમાંથી 40 ટકા પ્લેયર્સ તેના અઠંગ બંધાણી બની જતા તેમની નીંદર ઘટી જાય છે, સામાજિક સંબંધો કપાઈ જાય છે

અંગ્રેજોએ ચીનાઓને પહેલા મફતમાં અફીણ ચખાડયું. જે પછી ધીમે ધીમે તેમને વ્યસની બનાવી દીધા. ત્યારબાદ તેમની પાસેથી અફીણના પૈસા વસૂલવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં ચીનને ગુલામ બનાવી દીધુ. આ આખી રમતમાં માનવજાતને હવે નુકસાન થઈ રહ્યુ છે. આજે આવા એક પ્રકારની રમત વીડિયો ગેમને નામે ચાલી રહી છે. વીડિયો ગેમ ઈન્ડસ્ટ્રીની રમતમાં મોટાભાગની ગેમ્સ ફ્રીમિયમ હોય છે. પરંતુ જેમ-જેમ તમે તેમાં આગળ વધતા જાવ તેમ તેમ વિવિધ સેવાઓ ચાર્જેબલ કરી દેવામાં આવે છે. જેમ કે એકસ્ટ્રા લાઈફ મેળવવાના પૈસા, વર્ચ્યુઅલ કપડાં મેળવવાના પૈસા વસૂલાય છે. ગેમર્સ જ્યાં સુધીમાં ચાર્જેબલ સેવાઓ શરૂ થાય ત્યાં સુધીમાં તે ગેમના એટલા આદિ બની ચૂક્યા હોય છે કે પૈસા ભર્યા વિના રહી શકતાં નથી. ૫૦ના દાયકામાં થયેલા એક રિસર્ચમાં બહાર આવ્યુ હતુ કે, જેમ જેમ માણસ અમુક ટાસ્ક પૂરૂં કરે એમ તેને રિવોર્ડ મળતો જાય. એટલે તેનો કામ પ્રત્યે તેનો ઉત્સાહ વધતો જાય છે. શરૂઆતમાં દરેક ગેમની અંદર રિવોર્ડ આપવામાં આવે છે. ત્યાર પછી ચાર્જેબલ સેવાઓની શરૂઆત થઈ જાય છે. અને અહીંથી જ અસલી ખેલ શરુ થાય છે.
કેન્ડીક્રશ તેનું જ્વલંત ઉદાહરણ છે. આનાથી વિપરીત અમુક ગેમ્સ તે રેગ્યુલર ન રમનારને સજા આપે છે. જેમ કે ફાર્મવિલી નામની ગેમમાં જો પ્લેયર નિયત સમયગાળામાં ફરીથી લોગઈન ન થાય તો તેનો પાક સુકાઈ જાય છે. રોબ્લોક્સ નામની ગેમમાં એડોપ્ટમી સબ ગેમ આવે છે. તેમાં પાલતુ પ્રાણીઓને એડોપ્ટ કરીને તેની કાળજી રાખવાની હોય છે. જો યુઝર ૧૫ કલાકની અંદર આ ગેમ ફરીથી રમે તો તેને કેટલોક લાભ અપાય છે. આ ઉપરાંત કેટલાક કલાક સુધી ગેમ રમનારને અમુક પ્રકારની ચાર્જેબલ સર્વિસ ફ્રી કરી દેવાની ટ્રીક પણ અપનાવવામાં આવે છે. વ્યસન શારીરિક સ્વાસ્થ્ય માટે જેટલું ખરાબ છે, એના કરતાં અનેકગણું ખરાબ માનસિક સ્વાસ્થ્ય માટે છે. ગેમની દુનિયામાં ખોવાયેલો માણસ બાહ્ય દુનિયા તેને ડીસ્ટર્બ કરે એ તેનાથી જરા પણ સહન થતું નથી. બેહોશી આના કરતાં ઓર એક લેવલ ઊંડી હોય તો તમે ઝઘડો કરવા લાગો છો.
વધારે એક લેવલ ઊંડુ હોય તો તે વ્યક્તિ તેને ખલેલ પહોંચતા હિંસા કરી બેસે છે અને ક્યારેક હત્યા પણ કરી નાખે છે. માત્ર તમાકુ કે ગાંજો એ જ વ્યસન નથી, તેના કરતાં પણ વધારે ખરાબ વ્યસન છે સોશિયલ મીડિયા, અને તેના કરતા પણ વધારે ખરાબ વ્યસન છે વીડિયો ગેઈમ. ૨૦૨૦ના આંકડા પ્રમાણે દુનિયાની કુલ વસ્તીમાંથી ૨.૭ અબજ લોકો વીડિયો ગેમનો સ્વાદ ચાખી ચૂક્યા છે. વીડિયો ગેમ રમનારાઓની સાથે જોનારાઓનો વર્ગ પણ એટલો જ મોટો છે. ફિલ્મ, વેબસીરિઝ અને ટીવી જોનારા દર્શકો કરતાં પણ વીડિયો ગેમના દર્શકોની સંખ્યા વધારે છે. યુ-ટયુબ પર વીડિયો ગેમના લાઈવ સ્ટ્રીમીંગનો રાફડો ફાટયો છે. તેના પર વ્યૂઅર્સની સંખ્યા જોશો તો આંખો ચાર થઈ જશે. ૨૦૨૦માં વીડિયો ગેમ ઈન્ડસ્ટ્રીને ૧૭૦ અબજ ડોલરની આવક થઈ છે. 
ભારતીય ચલણમાં તેને અંદાજે રૂા.૧૨ લાખ કરોડ તરીકે નોંધી શકાય છે. આ આંકડો મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આવક કરતાં અનેકગણો વધારે છે.  ચીનની તાનાશાહીની દુનિયાભરમાં આલોચના થતી હોય છે પણ તાજેતરમાં તેણે લીધેલા એક નિર્ણયને તજજ્ઞો વખાણી રહ્યા છે. ચીને બાળકોને અઠવાડિયામાં ત્રણ કલાકથી વધુ વીડિયો ગેમ રમવા પર પ્રતિબંધ મુક્યો છે. વીડિયો ગેમના વ્યસનની વાત આમ તો છેલ્લા બે દાયકાથી થઈ રહી છે. પરંતુ વૈજ્ઞાનિક સંશોધનના અભાવે હમણા સુધી તે અંગે ગંભીરતાથી લેવાતી નહોતી. બેલ્જિયમ અને નેધરલેન્ડે વીડિયો ગેમની ચાર્જેબલ સર્વિસીઝને જુગાર ગણવાની કાયદાકીય જોગવાઈ કરી છે. બ્રિટન સમગ્ર વિશ્વમાં વીડિયો ગેમનું પાંચમા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે. તેણે ૧૮ વર્ષથી નાની વયના બાળકોને રક્ષણ મળે એ માટે કાયદાકીય જોગવાઈ કરી છે. 
એપલ અને ગુગલ ફોનમાં પેરેન્ટલ કંટ્રોલની સુવિધા આવે છે. ૧૮ વર્ષથી નાની વયના બાળકો આ ફોન યુઝ કરતા હોય તો તેમના માતાપિતા તેમના માટે ગેમ રમવાનો ટાઇમિંગ સેટ કરી શકે છે. બ્રિટનન ઇન્ટરનેટ એન્ટરટેઇનમેન્ટ નામની વ્યાપારી સંસ્થા ગેટ સ્માર્ટ અબાઉટ પ્લે નામનું શૈક્ષણિક અભિયાન પણ ચલાવે છે. જેથી યુઝર્સને વીડિયો ગેમના વ્યસની બનતા અટકાવી શકાય. 
અમેરિકા આવી બધી સમસ્યાઓને સ્વીકારી તેના સમાધાનો શોધવામાં અગ્રેસર છે. સીએટલમાં રિસ્ટાર્ટ નામનું એક ગેમ એડિક્શન ક્લિનિક આવેલું છે. તેના ડિરેકટર હિલેરી કેસ ધ ઈકોનોમિસ્ટને જણાવે છે કે, અમારી પાસે એવા સેંકડો કેસ આવે છે જેમાં વીડિયો ગેમના વ્યસનને કારણે ભણવામાં બાળકો ધ્યાન આપતા નથી. તેથી તેવા બાળકોને સ્કૂલ અથવા યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આવા વીડિયો ગેમના વ્યસનીઓમાં મોટાભાગના પુરુષો હોય છે. શેરબજાર અને જુગારની લતને કારણે, દારૂ કે ડ્રગ્સને કારણે અનેકના જીવન બરબાદ થઈ જતા હોય છે. પરંતુ હવે આ દૂષણમાં વીડિયો ગેમનું નામ ઉમેરાયુ છે. વીડિયો ગેમ બેહેવિઅરલ એડિક્શનની શ્રેણીમાં આવે છે. અતિકામ, અતિસેક્સ અને જુગાર પણ આ જ શ્રેણીમાં આવે છે. વીડિયો ગેમનું વ્યસન બાકીના તમામ બહેવિઅરલ એડિક્શન કરતાં વધારે ઘાતક છે.
વીડિયો ગેમ રમવી ખરાબ નથી. તમે ઓફિસથી થાકીને ઘરે આવ્યા હો અને મૂડ ફ્રેશ કરવા એક કલાક ગેમ રમો તો તે વરદાનરૂપ છે. તમે જાત-જાતના ટેન્શનથી ઘેરાયેલા હો અને વીડિયો ગેમ રમો તો તમારા દુઃખ-દર્દને ભૂલી જાવ છો, તમે રિલેક્સ થઈ જાવ છો. તે સ્ટ્રેસ બસ્ટર સાબિત થાય છે પણ તમને તેનું વળગણ થઈ જાય, તેના રવાડે ચડી જાવ તો તે એટલું જ નુકસાનકારક પણ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, તબીબો અને આરોગ્ય વીમા કંપનીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડે છે. જે ઈન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ તરીકે ઓળખાય છે. તેમાં પહેલી વખત ગેમિંગ ડિસઓર્ડર નામની બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તબીબો અને મનોચિકિત્સકો હવે માનતા થયા છે કે જેવી રીતે તમાકુનું, દારૂનું અથવા કેફી દ્રવ્યોનું વ્યસન હોય, જેવી રીતે જુગારનું વ્યસન હોઈ શકે તેમ વીડિયો ગેમનું વ્યસન સંભવ બન્યુ છે. વીડિયો ગેમના વ્યસનીઓનું વર્તન સામાન્ય માણસ કરતાં વધારે ખરાબ થઈ જાય છે. પબજી રમનારા લોકો હિંસક બની જાય છે. વીડિયો ગેમ રમનારાઓમાંથી ૪૦ ટકા પ્લેયર્સ તેના અઠંગ બંધાણી બની જાય છે. તેમની નીંદર ઘટી જાય છે, સામાજિક સંબંધો કપાઈ જાય છે, તેમની કારકિર્દી ખરાબ થઈ જાય છે. અનેક વાર તો આવો વ્યક્તિ ઘરના સભ્યો સાથે નજીવી બાબતે તકરાર કરે છે.
ઓક્સફર્ડ ઈન્સ્ટીટયૂટના તજજ્ઞા એન્ડ્રુ ઝીબીલ્સ્કીના મતે વીડિયો ગેમનો અતિરેક થવા લાગે ત્યારે તેના વ્યસનીઓમાં ડિપ્રેશન અને બેચેનીના લક્ષણો દેખાવા લાગે છે. આમ તો કોઈ પણ ગેમ આપણને વ્યસની બનાવી શકે છે. પણ વીડિયો ગેમ શા માટે વધારે ઘાતક છે ? કારણ કે આજકાલ મોટાભાગની વીડિયો ગેમ મનોચિકિત્સકોના માર્ગદર્શનના આધારે બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ બંનેની ડીઝાઈનમાં પ્રોફેશનલ સાઈકોલોજિસ્ટની બહુ મોટી ભૂમિકા હોય છે. તે એવી રીતે જ ડીઝાઈન કરવામાં આવે છે કે રમનાર તેમાં વધુને વધુ ઊંડો ઘૂસતો જાય છે. ફોર્ટનાઈટ નામની વીડિયો ગેમમાં ગોલ્ડ, ક્રિસ્ટલ્સ, વિબક વગેરે ખરીદવાના હોય છે. તે ગેમની અંદર ચાલતી કરન્સી છે. લોકોને કશુંક નવું ખરીદીને રમવાની મજા પડતી હોય છે. ડોકટર મેન્ટ્ઝોનીના મત પ્રમાણે આ સાઈકોલોજીને ધ્યાનમાં રાખીને જ કેસિનોમાં ચીપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્ડીક્રશમાં તમે હારી જાવ તો કાં તમારે પૈસા ચૂકવીને એકસ્ટ્રા લાઈફ ખરીદવી પડે છે અથવા અડધી કલાક સુધી રાહ જોવી પડે છે. કેન્ડીક્રશની ડેવલોપર કંપની કિંગે ૨૦૧૮માં બ્રિટનની સંસદને જણાવ્યું કે એક પ્લેયરે ગેમની વિવિધ સેવાઓ ખરીદવા માટે માત્ર એક જ દિવસમાં ૨૬૦૦ ડોલર ખર્ચ કર્યા હતા.
૨૦૧૮માં ફીફા સીરિઝ નામની વીડિયો ગેમ શરૂ થઈ હતી. જેમાં ગેમ રમનારાઓ પૈસા ચૂકવીને પોતાને ગમતા પ્લેયર્સની વર્ચ્યુઅલ ટીમ તૈયાર કરી શકે. તેમાં બેસ્ટ ટીમ તૈયાર કરવાનો ખર્ચ ૧૨,૨૦૦ ડોલર હતો. એપલ સ્ટોરની ૭૦ ટકા આવક ગેમમાંથી થાય છે. મોટાભાગના યુઝર્સ ફ્રી ગેમ રમે છે, તેની સામે નાનો તોય મહત્ત્વપૂર્ણ વર્ગ એવો છે જે ગેમ પાછળ પૈસા ખર્ચ કરતા અચકાતો નથી.