મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ. 12,000થી સસ્તા સ્માર્ટફોન નહિ વેચી શકે

August 08, 2022

ભારતમાં નહિ વેચાય રૂ. 12,000થી સસ્તા સ્માર્ટફોન: ચાઈનીઝ કંપનીઓને સકંજામાં લેવા પ્રજાને ડામ આપતી મોદી સરકાર

દિલ્હી-  વિશ્વના સૌથી ઝડપથી વધી રહેલ સ્માર્ટફોન માર્કેટ, ભારતમાં હવે ચાઈનીઝ કંપનીઓ પર સકંજો કસવા અને દેશમાં સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન અને બજાર મોકળાશ મળી રહે તે માટે મોદી સરકાર એક નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર હવે રૂ. 12,000થી સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન ભારતમાં વેચવા પર પ્રતિબંધ મુકી શકે છે.


જોકે સરકારની આ પોલિસીની વિરૂદ્ધમાં શરૂઆતથી જ સૂર ઉઠી રહ્યો છે. મેક ઈન્ડિયાના નામે અનેક પ્રકારની લ્હાણી અને છૂટ મળતી હોવા છતા સ્થાનિક સ્માર્ટફોન માર્કેટ પર ભારતીય દેશી કંપનીઓ કબ્જો નથી જમાવી શકી. ચાઈનીઝ કંપનીઓ તરફથી મળતી તીવ્ર સ્પર્ધાને કારણે અનેક ભારતીય કંપનીઓને અસ્તિત્વ ટકાવવું ભારે પડી રહ્યું છે તેથી હવે સ્માર્ટફોન માર્કેટમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા રૂ. 12,000થી સસ્તા ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ લાગી શકે છે.


અહેવાલ અનુસાર ભારત ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદકોને 150 યુએસ ડોલર એટલેકે રૂ. 12,000 કરતાં સસ્તા મોડલ વેચવા પર પ્રતિબંધ મૂકવા માટે નીતિ ઘડી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ચાઈનીઝ કંપનીઓની યાદીમાં Xiaomi કોર્પ સહિતની બ્રાન્ડ્સનો પણ સમાવેશ થઈ શકે છે,જે અમુક હદે ભારતમાં ઉત્પાદન પણ કરે છે.