ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટીમ જાહેરઃ ધવન આઉટ, પૃથ્વી શો ઇન

January 22, 2020

નવી દિલ્હીઃ ભારતીય ડાબોડી ઓપનર શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન-ડે દરમિયાન ખભામાં થયેલી ઇજાના કારણે ન્યૂઝીલેન્ડમાં રમાનારી ટી૨૦ તથા વન-ડે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ધવનના સ્થાને પાંચ મેચની ટી૨૦ ઇન્ટરનેશનલ શ્રેણી માટે વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનનો તથા ત્રણ વન-ડેની શ્રેણી માટે પૃથ્વી શોનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ હાલમાં ભારત-એ ટીમ તરફથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ખેડી રહ્યા છે. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ધવનના ખભાનો એમઆરઆઇ સ્કેન કરાવવામાં આવ્યો હતો અને તેને ગ્રેડ-૨ લેવલની ઇજા થઇ છે. તેના હાથે પ્લાસ્ટર પટ્ટો રાખવામાં આવ્યો છે અને તેને કેટલોક સમય આરામ કરવાની સલાહ આપી છે. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ ધવન ઓસ્ટ્રેલિયા સામે ઇજાગ્રસ્ત થયો હતો
શિખર ધવન માટે ઓસ્ટ્રેલિયન ટીમ ખરાબ સાબિત થઇ રહી છે. આ પહેલાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ૨૦૧૯ના વર્લ્ડ કપની લીગ મેચમાં તે ઓસ્ટ્રેલિયા સામે ઇજાગ્રસ્ત થઇને પૂરી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. તે સમયે તેને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. તાજેતરમાં બીજી વન-ડેમાં પણ તેને પેટ કમિન્સનો બાઉન્સર પાંસળીમાં વાગ્યો હતો. અને તેને તબીબી સહાય લેવી પડી હતી. તેણે પ્રથમ બે મેચમાં ૯૬ તથા ૭૪ રનની ઇનિંગ્સ રમી હતી. ત્રીજી મેચમાં તે બેટિંગ કરવા મેદાનમાં ઊતર્યો નહોતો.
ટી૨૦ ટીમઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, સંજૂ સેમસન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનિષ પાંડે, રિષભ  પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર.
વન-ડે ટીમઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, પૃથ્વી શો, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ.