કોરોના પર કાબૂ મેળવનાર ન્યૂઝીલેન્ડના પીએમ જંગી બહુમતિ સાથે ચૂંટણી જીતવાના આરે

October 17, 2020

વેલિંગ્ટન : કોરોના પર કાબૂ મેળવવામાં સફળ રહેલા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિકા અર્ડન ફરી એક વખત સત્તા મેળવવા જઈ રહ્યા છે.જેસિકા અર્ડનની પાર્ટી ન્યૂઝીલેન્ડમાં યોજાયેલી ચૂંટણીમાં જંગી બહુમતિથી જીત મેળવવા તરફ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી કરવામાં આવી રહી છે.શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે જેસિકા અર્ડનની પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે.અત્યાર સુધીમાં 33 ટકા વોટની ગણતરી થઈ ચુકી છે.જેમાં અર્ડનની લેબર પાર્ટી મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ નેશનલ પાર્ટી કરતા બમણા વોટ મેળવી ચુકી છે.40 વર્ષીય જેસિકા અર્ડને 2017માં અન્ય બે પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.બાદમાં તેમને પીએમ બનાવાયા હતા.

24 વર્ષના ઈતિહાસમાં કદાચ પહેલી વખત એવુ બનવા જઈ રહ્યુ છે કે, કોઈ રાજકીય પાર્ટીને આટલી જંગી બહુમતિ મળવાની હોય.જેસિકા આર્ડન ફરી વડાપ્રધાન બનશે તે લગભગ નિશ્ચિત છે.બીજી તરફ કન્ઝર્વેટિવ પાર્ટી પોતાની અત્યાર સુધીની સૌથી મોટી હાર મેળવશે તેવુ લાગી રહ્યુ છે.

જેસિકા આર્ડને ચૂંટણી પ્રચારમાં ચૂંટણીને કોવિડ ઈલેક્શન નામ આપ્યુ હતુ.તેમણે કોરોના પર કાબૂ મેળવવાના પ્રયાસોને આધાર બનાવીને પ્રચાર કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, ન્યૂઝીલેન્ડની પચાલ લાખની વસતીમાં કોરોનાના કારણે માત્ર 25 મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ દુનિયાના બહુ ઓછા દેશો પૈકીનો એક દેશ છે જેણે કોરાનાના સંક્રમણ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો છે.આ બાબતે ન્યૂઝીલેન્ડના પ્રયાસોની નોંધ દુનિયાભરમાં લેવાઈ છે.