પેરુ સામે નેમારની હેટ્રિક, બ્રાઝિલ માટે બીજો હાઇએસ્ટ ગોલ સ્કોરર

October 15, 2020

મોન્ટેવિડીયો: સ્ટાર ખેલાડી નેમારે હેટ્રિક નોંધાવવાની સાથે બ્રાઝિલના ફૂટબોલ ઇતિહાસમાં બીજા હાઇએસ્ટ ગોલ સ્કોરર બનવાની સિદ્ધિ મેળવતા કોપા અમેરિકા ચેમ્પિયન બ્રાઝિલિયન ટીમે વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં પેરુને ૪-૨થી હરાવ્યું હતું. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં નેમારના હવે કુલ ૬૪ ગોલ થયા છે જે બ્રાઝિલના જ અન્ય એક ફૂટબોલર સ્ટાર  રોનાલ્ડો કરતાં બે ગોલ વધારે છે પરંતુ બ્રાઝિલના મહાન ખેલાડી પેલે (૭૭ ગોલ) કરતાં તે ઘણો પાછળ છે. અન્ય એક મુકાબલામાં જોઆક્વિન કોરેયાએ નિર્ધારિત સમય પૂરો થવામાં ૧૧ મિનિટનો સમય બાકી હતો ત્યારે મેચવિનિંગ ગોલ નોંધાવતા તેની ટીમ આર્જેન્ટિનાએ બોલિવિયાને ૨-૧થી પરાજય આપ્યો હતો. બોલિવિયા સામેના બંને મુકાબલામાં આર્જેન્ટિનાએ વિજય મેળવ્યો હતો. રોનાલ્ડોએ બ્રાઝિલ માટે ૯૮ મેચમાં ૬૨ ગોલ નોંધાવ્યા હતા. નેમારે બ્રાઝિલ માટે ૧૦૨ મેચમાં ૬૪ ગોલ નોંધાવ્યા છે. ઇન્ટરનેશનલ સ્તરે સર્વાધિક ગોલ કરવાનો રેકોર્ડ ઇરાનના અલી ડાયરના નામે છે જેણે ૧૦૯ ગોલ નોંધાવ્યા છે.