નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો આજે છેલ્લો દિવસ, આજથી 7 દિવસ અંબાજી મંદિર બંધ

January 15, 2022

અમદાવાદ : રાજ્યમાં હાલ કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની ગઈ છે. મહામારીને નાથવા માટે સરકાર દરરોજ કોરોનાના કેસો, ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું મોનિટરિંગ કરી રહી છે તેમજ નિયંત્રણો પણ કડક કરવા લાગી છે. આજે રાત્રિ કર્ફ્યૂ સહિતનાં નિયંત્રણોની ગાઇડલાઇન્સની અવધિ પૂર્ણ થઈ રહી છે. રાત્રે 12 વાગ્યા બાદ નવી ગાઇડલાઇન્સ લાગુ કરવામાં આવશે. સૌકોઈ છેલ્લા બે દિવસથી નવી ગાઇડલાઇન્સની રાહમાં છે ત્યારે આજે છેલ્લા દિવસે નવી SOP જાહેર થવાની પ્રબળ શક્યતા છે તેમજ આજથી 7 દિવસ સુધી એટલે કે 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે.

નવી ગાઇડલાઇન્સમાં જ્યાં કેસો વધી રહ્યા હોય એવાં શહેરોનો પણ નાઇટ કર્ફ્યૂમાં ઉમેરો કરવામાં આવી શકે છે. એની સાથે સાથે નાઇટ કર્ફ્યૂનો સમય પણ 10થી 6ને બદલે 9થી 6 વાગ્યાનો કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.