નીરજ ચોપરા: આત્મવિશ્વાસથી છલકાતો એક ભારતીય ખેલાડી

August 14, 2021

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઑલિમ્પિક ગેઈમ્સમાં અંતે ભારતના ખાતામાં એક ગોલ્ડ મેડલ આવ્યો છે. આખી દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવા છતાં ભારત ઑલિમ્પિક્સમાં એક ગોલ્ડ મેડલ જીતી શકતુ નથી એ મહેણું પણ ભંગાયું છે. નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને આખી દુનિયામાં ભારતને ગોરવવંતુ કર્યું છે. ભારતે હોકીમાં ૮ ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીત્યા છે પણ વ્યક્તિગત સ્પર્ધાઓમાં આ પહેલાં માત્ર શૂટિંગમા ગોલ્ડ મેડલ જીત્યો હતો. અભિનવ બિંદ્રાએ ૨૦૦૮માં ચીનની રાજધાની બીજિંગમાં યોજાયેલા ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો પછી કોઈ ભારતીય ગોલ્ડ નહોતો જીતી શક્યો. બલ્કે બિંદ્રાનો ગોલ્ડ મેડલ ભારત માટે શનિવાર લગી વ્યક્તિગત સ્પર્ધાઓમાં પહેલો અને છેલ્લો ગોલ્ડ મેડલ હતો. નીરજ ચોપરાએ એ મહેણું પણ ભાંગ્યું અને ભારતને વ્યક્તિગત સ્પર્ધાઓમાં બીજો ગોલ્ડ મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો. નીરજ ચોપરાની જીત બહુ મોટી છે કેમ કે, નીરજે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ટ્રેક એન્ડ ફિલ્ડ એટલે કે એથ્લેટિક્સ અસલી સ્પોર્ટસ મનાય છે કેમ કે એથ્લેટિક્સમાં મેન્ટલ અને ફિઝિકલ બંને સ્ટ્રેન્થ જોઈએ, ટેકનિક જોઈએ, ગજબનાક રીફ્લેક્શન્સ જોઈએ. દેશ આઝાદ થયો એ પહેલાં આપણે બ્રિટિશ ભારત કહેવાતા અને બ્રિટિશ ભારત તરફથી રમતા નોર્મન પ્રિચાર્ડે ૧૯૦૦ની રોમ ઑલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા. ભારત તરફથી જીતાયેલા એ પહેલા બે ઑલિમ્પિક મેડલ હતા. પરંતુ નોર્મન પ્રિચાર્ડ અંગ્રેજ હતા. પ્રિચાર્ડ ભારતીય નહોતા. ભારતમાં રહેતા હોવાથી તેઓ બ્રિટિશ ભારત વતી રમવા ગયા હતા. ત્યારબાદ ઘણા ભારતીયોએ એથ્લેટિક્સમાં ભારત વતી ભાગ લીધો હતો. જો કે, કોઈ મેડલ જીતી શક્યું ન હતુ.
ઑલિમ્પિક્સમાં એથ્લેટિક્સમાં અત્યાર સુધી મિલ્ખાસિંહ અને પી.ટી. ઉષાના નામનો ગર્વ લઈ શકાતો હતો. મિલ્ખા અને ઉષા બંને ઑલિમ્પિક્સમાં મેડલ નહોતાં જીતી શક્યાં, પણ ચોથા નંબરે આવ્યા હતા.  ટોક્યો ઑલિમ્પિક્સ પહેલાં મિલ્ખા અને ઉષા સિવાય બીજા કોઈ ભારતીય એથ્લેટ ઑલિમ્પિક્સની ફાઈનલમાં પણ નહોતા પહોંચ્યા. પણ કમલપ્રીત કૌરે એ મહેણું ભાંગેલું. કમલપ્રીત કૌરે ચક્રફેંકના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જોરદાર દેખાવ કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ફાઈનલમાં કમલપ્રીત ૧૨ સ્પર્ધકોમાં છઠ્ઠા નંબરે રહી અને મેડલ ના લાવી શકી. નીરજે આ તમામ ખેલાડીથી આગળ વધીને ગોલ્ડ મેડલ જીતીને બધું સરભર કરી નાખ્યું છે. નીરજે એકદમ સ્ટાઈલમાં આ ગોલ્ડ જીત્યો છે અને તેના આત્મવિશ્ર્વાસ માટે તેને સલામ કરવી પડે તેમ છે.  વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ૩ મેડલ જીતનારો બજરંગ પુનિયા તો ગોલ્ડનો દાવેદાર ગણાતો હતો પણ પુનિયા બ્રોન્ઝ જ જીતી શક્યો. વિનેશ પાસેથી તો બ્રોન્ઝ પણ ના મળ્યો. તિરંદાજીમાં દીપિકા કુમારી અને અતાનુ દાસ, બોક્સિંગમાં એમ.સી. મેરી કોમ,  ટેનિસમાં સાનિયા મિર્ઝા, શૂટિંગમાં સુભાષ ચૌધરી, અભિષેક વર્મા, મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, પી.વી. સિંધુ વગેરે ગોલ્ડ મેડલનાં દાવેદાર હતાં. નીરજે ટોક્યોમાં પગ મૂક્યો ત્યારથી એ આશાને ફળીભૂત કરવાના બુલંદ ઈરાદા સાથે ઊતર્યો હોય એવો દેખાવ કર્યો હતો. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૮૬.૬૫ મીટર થ્રો કરીને નીરજ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં પહેલો રહ્યો હતો. નીરજ ફાઈનલમાં આવ્યો ત્યારે સૌને તેનું પણ કમલપ્રીત જેવું ના થાય તેની ચિંતા હતી. પણ નીરજે કોઈ તબક્કે લોકોને નિરાશ ના કર્યા. નીરજે પહેલા પ્રયાસમાં ૮૭.૦૩ મીટર દૂર ભાલો ફેંક્યો અને ટોપ પર રહ્યો. બીજા થ્રોમાં નીરજે પોતાનો દેખાવ અડધો મીટર સુધારીને ૮૭.૫૮ મીટર કર્યો અને પોતાની સરસાઈ વધારી. નીરજે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ૮૬.૬૫ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પહેલા બે રાઉન્ડમાં જ વધુ દૂર ભાલો ફેંકીને નીરજે અહેસાસ કરાવી દીધો કે એ ગજબનાક આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઊતર્યો છે.  
હરિયાણાના પાણીપત જિલ્લાના કેંદ્રા ગામમાં ખેડૂત પરિવારના ઘરે ૨૪ ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ નીરજનો જન્મ થયો હતો. નીરજે ચંડીગઢમાં અભ્યાસ કર્યો હતો. નીરજે વર્ષ ૨૦૧૬માં પોલેન્ડમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં ૮૬.૪૮ મીટર ભાલાફેંકમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો.  નીરજની કહાણી પાનીપતના એક નાનકડા ગામડાથી શરૂ થાય છે, જ્યાં નાની ઉંમરે નીરજ ભારે ભરખમ શરીરવાળો હતો. લગભગ ૮૦ કિલોગ્રામ વજન હતું. નીરજનું. કુર્તો અને પાયજામો પહેરેલાં નીરજને બધા સરપંચ કહીને બોલાવતા હતા. ૧૧ વર્ષની ઉંમરે નીરજ મેદસ્વિતાનો ભોગ બન્યો હતો. તેના વધી રહેલા વજનને જોતાં પરિવારે વજન ઓછું કરવા નીરજને રમત-ગમતમાં ભાગ લેવા સલાહ આપી હતી. ત્યારબાદ વજન ઓછું કરવા માટે પાણીપતના શિવાજી સ્ટેડિયમમાં જવા લાગ્યો હતો. એક ભારતીય કિશોરની માફક તેની પ્રથમ પસંદગી પણ ક્રિકેટ હતી. જો કે, સ્ટેડિયમમાં જેવલિન થ્રોની પ્રેક્ટિસ કરનારા ખેલાડીઓને જોઈ તેમના મનમાં પણ વિચાર આવ્યો કે, તેમની તુલનામાં પોતે ભાલો વધારે દૂર સુધી ફેંકી શકે છે. એક વખત કેટલાંક બાળકો સ્ટેડિયમમાં ભાલા ફેંકી રહ્યાં હતાં. નીરજ ત્યાં ગયો અને કોચે તેને ભાલો ફેંકવાનું કહ્યું.
નીરજે ભાલો ફેંક્યો અને તે ઘણે દૂર જઈને પડ્યો. ત્યાર બાદ કોચે તેને નિયમિત પ્રેક્ટિસ માટે આવવાનું કહ્યું હતું. આ સંજોગોમાં ક્રિકેટ મગજમાંથી વિસરાઈ ગયું અને અન્યોની સલાહ પર ભાલાફેંકની રમતમાં હાથ અજમાવ્યો હતો. ત્યાંથી જ તેમની આ સફરની શરૂઆત થઈ હતી.  ૨૦૧૬માં ભારત પી.વી. સિંધુ અને સાક્ષી મલિકના મેડલ ખુશી મનાવી રહ્યું હતું ત્યા ઍથ્લેટિક્સની દુનિયામાં ક્યાં બીજે એક નવા સિતારાનો ઉદય થઈ રહ્યો હતો. નીરજે પોલૅન્ડમાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો હતો.  તેમણે ગોલ્ડ કોસ્ટમાં રાષ્ટ્રમંડળ રમતોમાં ૮૬.૪૭ મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડમેડલ જીત્યો હતો. તેમજ વર્ષ ૨૦૧૮માં એશિયન રમતોમાં ૮૮.૦૭ મીટર લાંબે ભાલો ફેંકી રાષ્ટ્રીય રેકર્ડ બનાવ્યો હતો અને ગોલ્ડમેડલ જીત્યો હતો.
નીરજ પહેલો ભારતીય છે, જેણે એશિયન ગેમ્સમાં ગોલ જીત્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ૨ ભાલાફેંકમાં અત્યાર સુધી ભારતને માત્ર બે મેડલ જ મળ્યા છે. નીરજથી પહેલાં ૧૯૮૨માં ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  ૨૦૧૮માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ નોની ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી નીરજના ખભા પરઈજા થઈ હતી. તેથી તે રમી ન શક્યો અને સર્જરી બાદ ઘણા મહિના સુધી આરામ કરવો પડ્યો હતો.  નીરજે આંતરરાષ્ટ્રીય સ્તરની છ મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીત્યા છે. ૨૦૧૮માં જકાર્તા એશિયન ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ, ૨૦૧૭માં એશિયન ચેમ્પિયનશિપ, ૨૦૧૬માં સાઉથ એશિયન ગેમ્સ, ૨૦૧૭માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીતી ચૂક્યો છે.  ૨૦૧૬માં જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વરમેંડલ જીત્યો હતો.