નીરજ ચોપરાને ગણતંત્ર દિવસે 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' અપાશે

January 25, 2022

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનારા નીરજ ચોપરાને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' (PVSM)થી ગણતંત્ર દિવસે સન્માનિત કરાશે. તમને જણાવી દઈએ કે અત્યારે નીરજ ભારતીય સેનાના રાજપૂતાના રાઈફલ્સમાં તેનાત છે.

PVSM ભારતીય સૈન્યનો મેડલ છે. આની શરૂઆત 1960માં કરાઈ હતી. આ મેડલ શાંતિ અને સેવા ક્ષેત્રમાં અવિશ્વસનીય ઉપલબ્ધી પ્રાપ્ત કરી હોય તેને આપવામાં આવે છે. આ ગણતંત્ર દિવસે નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે. તમને જણાવી દઈએ કે પ્રાદેશિક સેના, સહાયક અને રિઝર્વ દળો, નર્સિંગ અધિકારીઓ અને નર્સિંગ સેવાઓના અન્ય સભ્યો અને અન્ય કાયદેસર રીતે રચાયેલા સશસ્ત્ર દળો સહિત ભારતીય સશસ્ત્ર દળોના તમામ રેન્કના કર્મચારીઓ આ એવોર્ડ મેળવવા માટે પાત્ર છે. પરમ વિશિષ્ઠ સેવા મેડલની સ્થાપના મૂળરૂપે 26 જાન્યુઆરી 1960ના દિવસે 'વિશિષ્ટ સેવા ચંદ્રક, વર્ગ I' તરીકે કરવામાં આવી હતી. તેનું નામ 27 જાન્યુઆરી 1961ના દિવસે બદલવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાની સફળતા પાછળ સેનાનો સાથ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો છે. 2015માં રાજપૂતાના રાઈફલ્સની ટીમે નીરજ ચોપરાના કૌશલ્યને પારખ્યું હતું. આ સમયે નીરજ માત્ર 17 વર્ષનો હતો. રાજપૂતાના રાઈફલ્સ રેજિમેન્ટે એથલેટિક્સ કોચે ચોપરાને તાત્કાલિક આર્મીમાં ભરતી થવાની સહાય કરી હતી. ત્યારપછી નીરજે પોલેન્ડમાં IAAF અંડર-10 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો અને ત્યારપછી સેનાએ તાત્કાલિક નીરજની ભરતી કરી લીધી હતી. બસ ત્યારપછી નીરજ ચોપરાની ટ્રેનિંગ અને સારવારનો સંપૂર્ણ ખર્ચો સેના ઉઠાવી રહી છે.