નિર્ભયાના દોષી પવન કુમારને ફટકો, સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટિશન ફગાવી

March 02, 2020

નવી દિલ્હી : નિર્ભયાના દોષી પવન કુમારને સુપ્રીમ કોર્ટે ફટકો આપતા ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંટન નરીમાન, જસ્ટીસ ભાનુમતિ અને જસ્ટિસ ભૂષણે કરી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર દેશની નજર પટિયાલા હાઉસ પર છે.

ઉલ્લેખનીય છે કે 2012માં ચકચારી મચાવેલા દિલ્હી ગેંગરેપ કેસના ચાર દોષિતમાંથી એક પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં 28 ફેબ્રુઆરી 2020ના રોજ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેમાં પવન ગુપ્તાએ કોર્ટને પોતાની મોતની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી હતી.  આ ઉપરાંત ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા બજાવવા આપેલા બ્લેક વોરન્ટ સામે સ્ટે આપવાની પણ અરજીમાં માંગ કરી છે.

નિર્ભયા કેસના ત્રણ દોષિતો મુકેશ કુમાર, અક્ષય ઠાકુર અને વિનય કુમારની દયા અરજીને અગાઉ રદ કરવામાં આવી છે. મુકેશે દયા અરજી રદ કરવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પણ દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. પવને અત્યાર સુધી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી નહતી.