નિર્ભયાના દોષીને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી

March 19, 2020

નવી દિલ્હી : દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટીશન પર આજે 6 જજોની ચેમ્બરમાં સુનાવણી હાથ ધરવામાં આવી. અરજીમાં પવન ગુપ્તાની દલીલ કરી હતી કે ગુના સમયે તે નાબાલિગ હતા.  

પવન ગુપ્તાએ આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. ત્યારે પવને અપરાધ સમયે નાબાલિક હોવાની દલીલ કરતા તેની માગને ફગાવી દેવાના આદેશને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે પણ અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ દોષીના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પણ પત્ર લખી ફાંસી અટકાવવા માટે અને તમામ રેકોર્ડ પોતાની પાસે મગાવવાની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુનાને સમયે પવન સગીર હોવાની 

અપીલ માનવાથી ઇન્કાર કરી દીધો છે એટલું જ નહીં નિર્ભયાના ચારેય આરોપીઓનો આવતી કાલે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવામાં આવશે. 

પાંચમી માર્ચે દિલ્હીની ટ્રાયલ કોર્ટે ચારેય અપરાધીઓને 20મી તારીખે ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જાહેર કરી દીધુ હતું. આ અત્યાર સુધીનું ચોથુ ડેથ વોરંટ છે જેનો આખરે અમલ થવા જઇ રહ્યો છે. બીજી તરફ ફાંસીનો સમય નજીક આવતા ચારેય અપરાધીઓ આકુળ વ્યાકુળ થઇ રહ્યા છે અને બચવા માટે હવાતિયા મારી રહ્યા છે.

32 વર્ષીય મુકેશ, 25 વર્ષના પવન, 26 વર્ષના વિનય અને 31 વર્ષના અક્ષયને શુક્રવારે વહેલી સવારે 5.30 કલાકે ફાંસીએ લટકાવી દેવામાં આવશે. તિહાર જેલમાં પ્રથમ વખત એવુ બનશે કે એક સાથે ચાર અપરાધીઓને ફાંસીએ લટકાવવામાં આવશે. જ્યારે દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલોની સરખામણીએ પણ આવું પહેલી વખત થવા જઇ રહ્યું છે.