નિર્મલા સીતારમણે વિશ્વ બેંક, IMFના વડાઓ સાથે દેવાના પુનર્ગઠન અંગે બેઠક યોજી

February 26, 2023

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે વિશ્વ બેંક અને IMFના વડાઓ સાથે બેઠક યોજી હતી અને દેવાનો સામનો કરી રહેલા કેટલાક દેશોના દેવાના પુનર્ગઠનની સમસ્યા અંગે ચર્ચા કરી હતી.

વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસ અને IMFના મેનેજિંગ ડિરેક્ટર (MD) ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સાથે સીતારમણની બેઠક G-20 નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકની બાદ યોજાઈ હતી. ઋણ પુનઃરચનાના પડકારો અને ધિરાણ જોખમના મુદ્દાઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

નાણા મંત્રાલયના એક ટ્વીટમાં આ મીટિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહ્યું કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્તમાન વૈવિધ્યસભર ક્રેડિટ લેન્ડસ્કેપને સ્વીકારવાના મહત્વ પર ભાર મૂક્યો અને પડકારો અને તેનો સામનો કરવાની રીતો વિશે સામાન્ય સમજણ ઊભી કરી છે.

તેમણે G-20 જૂથ દ્વારા નબળા અને ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા દેવાદાર દેશોનો અવાજ સાંભળવા હાકલ કરી હતી. અન્ય એક ટ્વીટમાં નાણા મંત્રાલયે કહ્યું કે IMFના MD જ્યોર્જિવા અને વિશ્વ બેંકના પ્રમુખ માલપાસે ઋણ પુનઃરચના પ્રક્રિયાને ઝડપી બનાવવા હાકલ કરી અને કહ્યું કે આ ફોરમ એક સાથે કામ કરવાની અને નબળા દેશોને મદદ કરવાની તક છે.