ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા

August 13, 2022

મહેસાણા: કડીમાં તિરંગા યાત્રા દરમિયાન આજે એક અનિચ્છનીય ઘટના બની હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ હતી. ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા હતા. જેણા કારણે તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેમ છતાં નીતિન પટેલે દેશની આન બાન અને શાન એવા તિરંગાને ઝૂકવા દીધો નહોતો.


નીતિન પટેલે અફરા તફડીવાળી પરિસ્થિતિમાં પણ તિરંગાનું માન જાળવ્યું હતું. તેમણે તિરંગો પકડી રાખ્યો અને તેને જમીન સાથે સ્પર્શવા ન દીધો. ઘૂંટણના ભાગે ઈજા થતા નીતિન પટેલને તુરંત કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા. ઈજાને કારણે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે, જેને જોતાં તબીબીઓ તેમને થોડા સમય સુધી આરામ કરવાની સલાહ આપી છે.