યોગ્યતા નહીં ધરાવતા ૪૨ લાખ ખેડૂતોને રૂપિયા ૩૦૦૦ કરોડ ટ્રાન્સફર કરી દેવાયા

July 21, 2021

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના અમલ માટે દાખવવામાં આવેલી ગંભીર બેદરકારી બહાર આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા યોગ્યતા નહીં ધરાવતા ૪૨ લાખ ખેડૂતોનાં ખાતામાં રૂ. ૩૦૦૦ કરોડ જેટલી જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે તેણે ૪૨ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૩૦૦૦ કરોડની રકમ પાછી મેળવી છે. દેશનાં ખેડૂતોને સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે રૂ. ૬૦૦૦ની રોકડ સહાય કરવામાં આવે છે. રૂ. ૨૦૦૦નાં ત્રણ સમાન હપતામાં આ રકમ ખેડૂતોનાં બેન્ક ખાતામાં જમા કરાય છે. જે ખેડૂત આવકવેરાને પાત્ર ન હોય કે ઈન્કમટેક્સ ચૂકવવાને પાત્ર ન હોય તેને જ આ સહાય કરવામાં આવે છે. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રનાં કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારે ૪૨.૧૬ લાખ ખેડૂતો પાસેથી તેમને અયોગ્ય રીતે આપવામાં આવેલા રૂ. ૨૯૯૨ કરોડની રકમ રિકવર કરી છે. તોમરે કહ્યું હતું કે ઇન્કટેક્સ ચૂકવતા કેટલાક ખેડૂતોને ખોટી રીતે સહાયની રકમ અપાઈ હતી. ચકાસણી કરતી વખતે આ ભૂલ ધ્યાનમાં આવી હતી.