મહેસાણા પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો

May 19, 2020

- કોંગ્રેસી નગરસેવકો સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા
- ભાજપના 15 તથા કોંગ્રેસના બાગી 9 સભ્યો સહિત 24 સભ્યોએ ઉપપ્રમુખની તરફેણમાં મતદાન કર્યું


મહેસાણા- મહેસાણા પાલિકાની ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મામલે લોકડાઉનમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે પાલિકા ટાઉન હોલમાં પ્રાંત ઓફીસરની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના નગરસેવકો સભામાં હાજર ન રહેતાં દરખાસ્તનો રકાસ થયો હતો. અને ભાજપના ૧૫ તથા બળવાખોર કોંગી સભ્યો સહિત ૨૪ સભ્યો હાર રહી ઉપપ્રમુખની તરફેણમાં મતદાન કર્યું હતું.

મહેસાણા પાલિકામાં સોમવારના રોજ ૧૧ઃ૦૦ કલાકે નવીન ટાઉનહોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. વંદેમાતરમ ગાન બાદ પ્રમુખ નવીન પરમારના પિતાજી તથા ભૂતપૂર્વ સાંસદ હીરાલાલ પરમારના અવસાન અને રાજ્યમાં કોવિડ-૧૯માં મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક શરૃ થઈ હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ સામે કોંગ્રેસે ૨૦ સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી સામાન્ય સભામાં મુકવા રજૂઆત કરી હતી. જેમાં ઉપપ્રમુખ મનસ્વી ભેદભાવ રાખી વહિવટ કરે છે. તેમજ તેમના પતિ વહિવટ કરે છે અને સભ્યોનો વિશ્વાસ ગુમાવી બેઠા હોવાના મુદ્દાઓ સાથે દરખાસ્ત કરી હતી. 


સભામાં ભાજપના કોર્પોરેટર ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે ૨૦૧૫થી સાડા ચાર વર્ષ સુધી પાલિકામાં કોંગ્રેસે સત્તા સંભાળી શાસન કર્યું છે. કોંગ્રેસની અંદરો-અંદર ઝઘડો કરી એકબીજાનું વસ્ત્રાહરણનું કામ કર્યું છે. આજદિન સુધી વિકાસના નામે સાવ મીડું રહ્યું છે. ઉપપ્રમુખ પુરીબેન માત્ર ૧૫ દિવસ પ્રમુખના ચાર્જમાં હતા. જેથી કોંગ્રેસ કરેલી અવિશ્વાસની દરમિયાન તથ્ય વગરની છે. તેમની પાસે કોઈ મુદ્દા ન હોઈ ગેરહાજર રહ્યા છે અને હાજર સભ્યોને હાથ ઊંચો કરી મન આપવા આહવાન કર્યું હતું. જેમાં ભાજપના ૧૫ તથા કોંગ્રેસના બળવાખોર સહિત ૯ સભ્યો મળી ૨૪ સભ્યોએ ઉપપ્રમુખની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કોંગ્રેસ હાજર રહી હોત તો તેમણે ૨૯ મત મેળવવા જરૃરી હતા. જોકે તેમની પાસે સંખ્યાબળ ઓછું હતું. આમ ૨૪ મત મેળવતાં અવિશ્વાસની દરખાસ્ત રદ્દ થઈ હતી.