દેશમાં કોરોનાના સેકન્ડ વેવમાં ઓક્સિજનના અભાવે કોઈ મોત નોંધાયું નથી : કેન્દ્ર સરકાર

July 21, 2021

નવી દિલ્હી: રાજ્યસભામાં કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની તીવ્ર અછતના કારણે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓના સડક પર અને હોસ્પિટલોમાં મોત થયા હોવા અંગેના સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઇ મોત થયાં નથી. પવારે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓ રાજ્યો હસ્તક છે અને તેઓ દરરોજ કોરોનાના નોંધાતા કેસ અને મોત અંગે કેન્દ્રને માહિતી આપે છે. કોરોનાના મોત અંગે કેન્દ્રને જાણ કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતવાર ગાઇડલાઇન અપાઇ જ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રને આ અંગે માહિતી અપાઇ નથી. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ક્યારેય કોઇ રાજ્યને કોરોનાથી થતા મોત અને કેસની સંખ્યા ઓછી નોંધવાનું કહ્યું નથી. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જે આંકડા અને માહિતી મોકલવામાં આવે છે તેના આધારે જ કેેન્દ્ર સરકાર દૈનિક મોત અને કેસના આંકડા પ્રસિદ્ધ કરે છે. અમારું કામ ફક્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા આંકડા પ્રસિદ્ધ કરવાનું જ છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, ચર્ચા દરમિયાન આપણે જોયું કે, જો કોઇ સારું કામ થયું તો તેનો શ્રોય મુખ્યમંત્રીઓને આપવામાં આવી રહ્યો છે અને જો કાંઇ ખરાબ થયું તો તેના માટે પીએમ મોદીને બદનામ કરવામાં આવી રહ્યાં છે. વડા પ્રધાન વારંવાર કહી ચૂક્યા છે કે આ મહામારીમાં રાજનીતિને કોઇ સ્થાન નથી.
કેન્દ્રીય પેટ્રોલિયમ મં૬ી હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૯માં ચીને કોરોના વાઇરસના મૂળની જાહેરાત કરવાની સાથે ચીનથી આવતી ફ્લાઇટ પર રોક લગાવનાર સૌપ્રથમ દેશ ભારત હતો. વિપક્ષ પર પ્રહાર કરતા પુરીએ જણાવ્યું હતું કે, એકતરફ વિપક્ષ એમ કહે છે કે લોકડાઉન આકરું છે અને બીજીતરફ તેને કેક પણ ખાવો છે.