NPRમાં કોઈ ડોક્યૂમેન્ટ માંગવામાં નહી આવે, કોઈએ ડરવાની જરૂર નથી

March 12, 2020

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે, NPRમાં કોઈ ડોક્યૂમેન્ટ માંગવામાં નહી આવે. તેમણે કહ્યું કે, લોકો પાસે જે જાણકારી નથી તેને આપવાની કોઈ જરૂર નથી. કોઈએ પણ NPRની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. રાજ્યસભામાં દિલ્હી હિંસાને લઈને ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રીએ આ વાત કહી. આ સાથે જ તેમણે કહ્યું, ખુબ દુ:ખ સાથે હું કહેવા માંગુ છું કે સમગ્ર દેશમાં નાગરિકતા કાનુનને લઈને મુસલમાન ભાઈઓ બહેનોના મનમાં એક ભય બેઠી ગયો છે કે તમારી નાગરિકતા CAAથી છીનવી લેવામાં આવશે. આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. CAA નાગરિકતા લેવાનો કાનૂન છે જ નહી, આ નાગરિકતા આપવાનો કાનૂન છે.

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે કહ્યું કે, હિંસા ઉપરાંત અત્યાર સુધી 700 FIR નોંધવામાં આવી છે અને જેણે પણ FIR નોંધાવી છે, તેને રજિસ્ટર કરવાની પોલીસે ક્યાંય પણ ના કહી નથી. 25 ફેબ્રુઆરીની સવારથી જ દિલ્હીના દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિઓની બેઠક બોલાવવાની શરૂ કરી દેવામાં આવી હતી. 26 ફેબ્રુઆરી સુધી 321 શાંતિ સમિતિઓની બેઠક બોલાવી અમે દરેક સંપ્રદાયોના ધર્મગુરુઓને, હિંસા ફેલાઈ નહી તે માટે તેમને પોતાના પ્રભાવનો પ્રયોગ કરવાની વિનંતિ કરી હતી. દિલ્હી હિંસા મામલે અત્યાર સુધીમાં 2600થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું, દિલ્હીમાં ઘણી ઘટનાઓમાં અંગત હથિયાર ચલાવવાની ઘટના પણ સામે આવી છે. તેવામાં 49 કેસો નોંધવામાં આવ્યા છે અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે હથિયારોનો ઉપયોગ થયો હતો તેમાં લગભગ સવા સો હથિયાર જપ્ત કરી લેવામાં આવ્યા છે. જેમની ઓળખ થઈ ચૂકી છે તેમની સંપૂર્ણ વિગતો અમારી પાસે ઉપલબ્ધ થઈ ગઈ છે. એવા લોકોને ઝડપવા માટે 40થી વધારે સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે જે દિવસ રાત ધરપકડ કરવાનું કામ કરી રહી છે. કેટલાક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ એવા હતા જે દંગાના બે દિવસ પહેલાં શરૂ થયાં હતા અને 25 ફેબ્રુઆરીની રાત્રે 12 વાગ્યા પહેલાં જ બંધ થઈ ગયા અને તેમાં માત્ર હિંસા, નફરત અને ધૃણા ફેલાવવાનું કામ કરવામાં આવ્યા છે.