લોકોની અવરજવર પર હવે કોઇ પ્રતિબંધ નહીં, ઇ-પરમિટ નહીં લેવી પડે, આખા દેશમાં રાત્રે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ

May 31, 2020

નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે લોકડાઉન 5ની જાહેરાત ન કરી. તેની જગ્યાએ અનલોક-1ની જાહેરાત કરી હતી. તેમાં 1 જૂનથી મોટી રાહત મળવા જઇ રહી છે. હવે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકશે. તેમના રાજ્યની અંદર પણ અવરજવર કરી શકશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને અમુક વિશેષ અધિકાર આપવામા આવ્યા છે. જરૂરી લાગે તો લોકોને જણાવીને તેઓ લાગૂ કરી શકે છે. મુખ્ય મુદ્દો લોકોની અવરજવર અને સામાનની ડિલિવરી સાથે જોડાયેલો છે. 

અનલોક-1માં પરિસ્થિતિ કેવી રીતે બદલાશે તે જાણીએ..

1. લોકોની અવરજવર
અત્યારસુધી આ રીતે વ્યવસ્થા હતી- એક રાજ્યમાં એક જિલ્લાથી બીજા જિલ્લા સુધી લોકો અને સામાનની અવરજવર પર અમુક પ્રતિબંધ હતા. લોકોની અવરજવર માટે ઇ પાસ લેવો પડતો હતો. તેમને પ્રવાસનું કારણ જણાવવાનું રહેતું હતું. મેડિકલ કન્ડીશનમાં તેના કાગળ દેખાડવા પડતા હતા. 

હવે આ રીતે વ્યવસ્થા- નવી ગાઇડલાઇન્સ પ્રમાણે હવે રાજ્યની અંદર અને અન્ય રાજ્યોમાં અવરજવર પર કોઇ પ્રતિબંધ નથી. ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ કહેવામા આવ્યું છે કે અલગથી મંજૂરી કે પરમિટ લેવી નહીં પડે. 


2. કર્ફ્યૂ
અત્યારસુધી - સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકો કોઇ પણ પ્રકારની અવરજવર કરી શકતા ન હતા. જરૂરી સેવાઓ પર આ પ્રતિબંધ લાગૂ ન હતો. સ્થાનિક વહીવટીતંત્ર પાસે આ મામલે જરૂરી આદેશ જાહેર કરવાની સત્તા હતી. 
હવે- રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જરૂરી સેવાઓ સિવાય કોઇ પણ પ્રકારની અવરજવરની મંજૂરી નથી. તેના પર કડકાઇથી પ્રતિબંધ રહેશે. સ્થાનિક વહીવટીતંત્ર તેના અધિકારક્ષેત્રમાં CRPC 144 અંતર્ગત પ્રતિબંધો લાગૂ કરી શકશે. 

3. કન્ટેનમેન્ટ ઝોન
અત્યારસુધી - શરૂઆતમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર પણ અમુક ગતિવિધિઓ પર પ્રતિબંધ હતો. 
હવે- હવે તબક્કાવાર ગતિવિધિઓ શરૂ કરવામા આવશે. 

આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
ગૃહ મંત્રાલય પ્રમાણે જો કોઇ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશને એવુ લાગે કે પરિસ્થિતિ જોતા અવરજવરમાં નિયંત્રણ લાવવું જરૂરી છે તો તેના માટે નિયમો બનાવી શકે છે. પરંતુ કોઇ પણ નિયમ લાગૂ કર્યા પહેલા લોકો સમક્ષ તેની જાહેરાત કરવી જરૂરી રહેશે. તેના માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન પણ કરવું પડશે.