દિલ્હીમાં હિંસાનાં કોઇ સમાચાર નથી,કાલથી પિડિતોને આર્થિક સહાય અપાશે:કેજરીવાલ

March 01, 2020

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે સાંજે દિલ્હી હિંસાને લઇ પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે દરેક સંબંધિત વિભાગના વરિષ્ઠ  અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

દિલ્હીમાં શનિવારે હિંસાની કોઈ ઘટના સામે આવી નથી. અમારી પહેલી પ્રાથમિકતા જલ્દીથી જલ્દી સ્થિતિ સામાન્ય થાય તે છે.અત્યાર સુંધીમાં 69 લોકોએ આર્થિક સહાય માટે અરજી કરી છે, આ તમામને રવિવાર સુંધીમાં 25 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

કેજરીવાલે વધુ જણાવ્યું હતું કે, દિલ્હી હિંસા દરમિયાન 4 સબ ડિવિઝન પ્રભાવિત થયા હતા અને દરેકમાં લગભગ 18 જેલ એસડીએમ છે. દરેકે પોતાની સંબંધિત ક્ષેત્રોનું નિરીક્ષણ કર્યું છે અને હિંસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા ઘર અને દુકાનોની ઓળખાણ કરી રહ્યા છે. રવિવાર સુધી ઘર, દુકાન અને ગાડીઓ કેટલી સળગી હોવાનો આંકડો મળી જશે.

અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી હિંસામાં મ્રુત લોકોની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. તે જ સમયે, 250 થી વધુ લોકો ઘાયલ થયા છે હિંસા માટે કુલ 123 એફઆઈઆર નોંધાઈ છે અને 630 લોકોની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી છે.