કોઈ દોષિત નથી, કોઈએ રડવું નહીં, સ્યુસાઇડ નોટ લખી મોરબીમાં પરિવારનો આપઘાત

August 06, 2024

મોરબીઃ મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (56), તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (53) અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (21)એ પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની મૃતક વર્ષાબેનના બહેનને જાણ થતા તેમણે મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના આ બનાવની જાણ કરી હતી.
જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા, મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાને દોડી ગયા હતા અને એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર આપઘાત કરી લેનાર હરેશભાઈ, તેના પત્ની વર્ષાબેન અને હર્ષના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ કાનાબારના દરવાજાની ચાવી દરવાજામાં લટકતી હતી અને દરવાજો ખોલીને જોતા ત્યાં ઘરની અંદર ત્રણેય વ્યક્તિઓએ આપઘાત કરેલો હતો. જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.