અમેરિકાની ચૂંટણી પહેલા ઉત્તર કોરિયા પરમાણુ અખતરો કરવાની તૈયારીમાં

September 25, 2024

સિઓલ - અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીની તડામાર તૈયારીઓ અને પ્રચાર પણ શરુ થયો છે આવા સંજોગોમાં દક્ષિણ કોરિયાના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે યુએસની ચુંટણી નજીક આવશે તે ગાળા દરમિયાન જ ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન પરમાણુ પ્રયોગ કરી શકે છે. અમેરિકામાં જનરલ ઇલેકશન નવેમ્બરમાં યોજાવાનું છે તે જોતા આ ગાળામાં ઉત્તર કોરિયા કાંકરીચાળો કરીને વિશ્વશાંતિનો માહોલ બગાડી શકે છે. 


દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા કાર્યાલયના પ્રમુખ શિન વોન સિકે એક ટીવી કાર્યક્રમમાં ઉત્તર કોરિયાના ૭ માં પરમાણુ પરીક્ષણ અંગે દેશ અને દુનિયાને ચેતવણી આપી હતી. શિને વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા પાસે પરમાણુ પરીક્ષણ કરવાની ક્ષમતા છે. તાનાશાહ કિમ જોંગ ઉનના ઇશારે ઇચ્છે ત્યારે અણુ પ્રયોગ કરી શકે છે. ઉત્તર કોરિયાને પરમાણુ સિધ્ધિ મેળવવા માટે હજુ પણ ઘણા પરમાણુ અખતરા કરવાની જરુર છે. ઉત્તર કોરિયાને જો એમ જણાશે તો પરીક્ષણથી વ્યુહાત્મક લાભ મળે છે તો તે ચોકકસ પગલું ભરી શકે છે. અમેરિકાના મતદારો ચુંટણીમાં મતદાન કરવા જાય તે સમયગાળામાં ઉત્તર કોરિયા અણુ પરિક્ષણ કરે તેવી પ્રબળ સંભવના છે.