નોર્તઝેએ ૧૫૬.૨ની સ્પીડથી સિઝનનો ફાસ્ટેસ્ટ બોલ નાખ્યો, દિલ્હીનો વિજય

October 15, 2020

દુબઇ : પેસ બોલર નોર્તઝેની ૧૫૬.૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સિઝનનો ફાસ્ટેસ્ટ બોલ નાખવાની સિદ્ધિ વચ્ચે દિલ્હી કેપિટલ્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને ૧૩ રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની ટીમે ઓપનર શિખર ધવન (૫૭) તથા સુકાની શ્રોયસ ઐય્યરના ૫૩ રનની મદદથી સાત વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ આઠ વિકેટે ૧૪૮ રન બનાવી શકી હતી. દુબઇમાં દિલ્હીની ટીમે રમેલી તમામ ચાર મેચમાં વિજય હાંસલ કર્યો છે. રનચેઝ કરનાર રાજસ્થાનની ટીમ માટે બેન સ્ટોક્સે ૪૧ તથા ઉથપ્પાએ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે નોર્તઝેએ ૩૩ રનમાં બે તથા દેશપાંડેએ ૩૭ રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. આઇપીએલમાં શિખર ધવને ૩૯મી અડધી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ મામલે ધવને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા સુરેશ રૈનાને પાછળ રાખી દીધા છે. આ ત્રણેય બેટ્સમેનોએ ૩૮-૩૮ અડધી સદી ફટકારી છે. ઓવરઓલ હાઇએસ્ટ અડધી સદી ડેવિડ વોર્નરના (૪૬) નામે છે.