કેપ્ટનશીપ જ નહીં ટીમ ઈન્ડિયામાંથી પણ હાર્દિક પંડ્યાનું કપાશે પત્તું! ગંભીરના ખાસ ખેલાડીને મળી શકે છે મોકો

July 23, 2024

તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડકપમાં ભારતને ખિતાબ જીતાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેલાડી હાર્દિક પંડ્યાને આગામી શ્રીલંકા પ્રવાસમાં સામેલ તો કરાયો પરંતુ તેને T20ની કેપ્ટનશિપ આપવામાં આવી નથી. એવી આશા રખાઈ રહી હતી કે રોહિતની નિવૃત્તિ બાદ T20 ફોર્મેટની કમાન હાર્દિકને આપવામાં આવશે. પરંતુ આમાંથી કશું થયું નહીં.  ગંભીર ટીમનો કોચ બન્યા બાદ હાર્દિક પંડ્યાનું પત્તું ટીમમાંથી કપાઈ શકે છે. તેના સ્થાને ગંભીરના નજીક મનાતા ખેલાડીને ભારતીય ટીમમાં તક મળી શકે છે. રોહિતની કેપ્ટનશિપમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી મળતી હતી. હિટમેનની ગેરહાજરીમાં પંડ્યા ઘણી વખત કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યો છે. આ નિર્ણય પાછળ અગરકરે હાર્દિકની ફિટનેસને જવાબદાર ગણાવી હતી. તેના મતે હાર્દિક વધારે ઈજાઓનો શિકાર બને છે. નજીકના ભવિષ્યમાં પંડ્યા ટીમમાંથી પણ પોતાનું સ્થાન ગુમાવી શકે છે. તેના સ્થાને ગૌતમ કેકેઆરના વિસ્ફોટક ઓલરાઉન્ડરને તક આપી શકે છે.જો આવનારા દિવસોમાં હાર્દિક પંડ્યા ટીમ માટે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેશે તો તેની જગ્યાએ ગંભીર કેકેઆરના ખેલાડી વેંકટેશ ઐયરને તક આપી શકે છે. વેંકટેશ અત્યારે ભારતીય ટીમથી દૂર ચાલી રહ્યો છે. પરંતુ આઈપીએલ 2024ની સીઝનમાં તેને શાનદાર દેખાવ કર્યો હતો. આ સ્થિતિમાં ઐયર માટે ભારતીય ટીમના દરવાજા ખુલી શકે છે.વેંકટેશ અય્યરે ભારત માટે છેલ્લે વર્ષ 2022માં મેચ રમી હતી. ખુબ કઠિન સ્પર્ધાના કારણે અય્યરને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે તેણે આઈપીએલ 2024માં કેકેઆર ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી. ખાસ કરીને તેણે ફાઇનલ મેચમાં હૈદરાબાદ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 15 મેચમાં 46.25ની સરેરાશથી 370 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી સામેલ છે. ભારત માટે તેણે અત્યાર સુધી 2 વનડે મેચમાં 24 રન અને 9 T20 મેચમાં 133 રન બનાવવા ઉપરાંત 5 વિકેટ પણ પોતાના નામે કરી છે.