અમે નહીં, અમેરિકા સૌથી મોટું જોખમ : ચીન

September 15, 2020

બેઇજિંગ  : ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે વિશ્વશાંતિ માટે ચીન નહીં પણ અમેરિકા સૌથી મોટું જોખમ છે. ચીની સૈન્યએ અમેરિકી સંરક્ષણ મંત્રાલયના આ મહિનાની શરૂઆતમાં આવેલા રિપોર્ટના જવાબમાં આ વાત કહી છે. ચીની સૈન્ય ઘટનાક્રમ તથા લક્ષ્યો અંગે અમેરિકી સંરક્ષણ મંત્રાલયે સંસદને રિપોર્ટ સોંપ્યો હતો. તેમાં જણાવાયું છે કે ચીની સૈન્યનાં લક્ષ્યોથી અમેરિકાનાં રાષ્ટ્રીય હિતો તથા આંતર રાષ્ટ્રીય નિયમો પર આધારિત વ્યવસ્થાને જોખમ છે.

તેના જવાબમાં ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ ક્યાને કહ્યું કે અમેરિકી રિપોર્ટ ચીનનાં લક્ષ્યો, તેના 140 કરોડ લોકો તથા પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેના પરસ્પરના સંબંધોને તોડે-મરોડે છે. વીતેલાં ઘણાં વર્ષોમાં એવા પુરાવા આવ્યા છે જે દર્શાવે છે કે પ્રાદેશિક અશાંતિ ભડકાવનાર, આંતર રાષ્ટ્રીય વ્યવસ્થાને તોડનાર અને વિશ્વશાંતિને બરબાદ કરનાર અમેરિકા છે. છેલ્લા 2 દાયકામાં ઇરાક, સીરિયા, લિબિયા તથા અન્ય દેશોમાં અમેરિકાની કાર્યવાહીના કારણે 8 લાખથી વધુ મોત થયાં છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે. પોતાનું જોવાને બદલે અમેરિકાએ એક રિપોર્ટ જારી કર્યો, જે ચીનના સામાન્ય સંરક્ષણ અને સૈન્ય માળખા અંગે ખોટી ટિપ્પણી કરે છે. અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે ચીનના સંરક્ષણ અને સૈન્ય માળખાને નિષ્પક્ષ અને તર્કસંગત રીતે જુએ, ખોટા રિપોર્ટ જારી કરવાનું ટાળે.