DCGIની એમેઝોન-ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને નોટીસ, લાયસન્સ વિના દવાઓ વેચવા બદલ કાર્યવાહી

February 14, 2023

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ એમેઝોન અને ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસ સહિત 20 ઓનલાઈન વિક્રેતાઓને લાઇસન્સ વિનાની દવાઓના ઓનલાઈન વેચાણ માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. ડીસીજીઆઈ વીજી સોમાણી દ્વારા 8 ફેબ્રુઆરીએ જારી કરાયેલ કારણ બતાવો નોટિસમાં દિલ્હી હાઈકોર્ટના 12 ડિસેમ્બર, 2018ના આદેશને ટાંકવામાં આવ્યો છે. આ આદેશમાં કોર્ટે કહ્યું હતું કે લાઇસન્સ વગરની દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2019 અને 3 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટનો આદેશ તમામ રાજ્યોને જરૂરી કાર્યવાહી કરવા અને નિયમોનું પાલન કરવા માટે મોકલવામાં આવ્યો હતો. નોટિસમાં દવાના વિક્રેતાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ આદેશનું પાલન કરવાને બદલે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જણાયા છે.

બે દિવસમાં તમામ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દવાના વેચાણ, સ્ટોક, ડિસ્પ્લે અથવા વેચાણ-વિતરણ માટે સંબંધિત રાજ્યના સત્તાધિકારી પાસેથી લાઇસન્સ મેળવવું જરૂરી છે અને લાઇસન્સ ધારકે તેની સાથે જોડાયેલ તમામ શરતોનું પાલન કરવું જરૂરી છે.