પંજાબ બાદ હવે ઉડતા ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનું મસમોટું નેટવર્ક

November 13, 2021

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું હોવાની વાતો વચ્ચે બુધવારનો દિવસ ડ્રગ્સના સમાચારોથી છવાયેલો રહ્યો. એકસાથે ચાર-ચાર ઠેકાણેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાતાં આખા ગુજરાતમાં ખળભળાટ મચ્યો. ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાની પહેલી ઘટનામાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે મેથાફેટેમાઇન ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી લીધા. સરખેજ સાણંદ હાઇવે પાસે આ બંને ડ્રગ પેડલર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા, પણ એ પહેલાં જ ઝડપાઈ ગયા.  અમદાવાદના જુહાપુરાના મોહમ્મદ એજાઝ અને શાહનવાઝ ગાગી પાસેથી પોલીસને લગભગ પોણા બે લાખની કિંમતનું સાડા સત્તર ગ્રામ ડ્રગ્સ જ મળ્યું છે પણ આ ઘટના ગંભીર છે. કેમ કે, આ ડ્રગ્સ ડ્રગ્સના બંધાણીઓને અપાવાનું હતું. તેનો મતલબ એ થાય કે, એક મજબૂત ડ્રગ્સ નેટવર્ક કામ કરે છે. બીજી ઘટનામાં સુરતમાંથી સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી સાડા છ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું. રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવતા પેડલરને ઝડપીને પોલીસે તેની પાસેથી ડ્રગ્સ કબજે કર્યું છે. 
આ ઘટનાથી એટલુ સ્પષ્ટ છે કે, અમદાવાદની જેમ સુરતમાં પણ સુવ્યવસ્થિત રીતે ડ્રગ્સ નેટવર્ક અસ્તિત્વમાં છે. આ સાથે જ છેક રાજસ્થાનથી પેડલર ડ્રગ્સ લઈને સુરત સુધી આવ્યો, તેનો અર્થ એ થાય કે, સુરતમાં ડ્રગ્સ લેનારાઓ છે અને આ માલ ખપી જાય છે. અમદાવાદ અને સુરત કરતાં મોટી ઘટના સૌરાષ્ટ્રમાં બની છે. જ્યાં એકસામટું ૬૬ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. સૌરાષ્ટ્રમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી ઝડપાયેલા આ ૬૬ કિલો ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂપિયા ૩૫૦ કરોડની આસપાસ થાય છે. આ ડ્રગ્સ વાડીનાર અને સલાયા એમ બે સ્થળેથી ઝડપાયું છે. 
પોલીસને વાડીનારમાં ડ્રગ્સ ઉતર્યું હોવાની ખબર પડતાં દરોડો પાડ્યો, તેમાં પહેલાં ૪૮ કિલો ડ્રગ્સ ઝડપાયુ હતુ. આ ડ્રગ્સનો જથ્થો જેની પાસેથી મળ્યો તેની પૂછપરછ કરાતાં તેણે સલાયા સુધી ડ્રગ્સ કૌભાંડના છેડા હોવાની કબૂલાત કરી. જે પછી પોલીસ તરત સલાયા પહોંચી તો ત્યાંથી બીજું ૧૮ કિલો ડ્રગ્સ મળી આવ્યું. આમ બંને ઠેકાણે મળીને પોલીસને કુલ ૬૬ કિલો ડ્રગ્સ મળ્યું છે. ગુજરાતમાં એક જ દિવસમાં ચાર ઠેકાણેથી ડ્રગ્સ મળે એ વાત આંચકો આપનારી છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ કઈ હદે પગપેસારો કરી રહ્યું છે તેનો આ પુરાવો છે. આ ચાર ઘટના પછી સફાળી જાગેલી ગુજરાત સરકારે પત્રકાર પરિષદ કરવી પડી. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ પત્રકાર પરિષદમાં પોલીસની પીઠ થાબડી અને પોલીસે જોરદાર કામગીરી કરી તેનાં ગાણાં ગાયાં. 
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જ આપેલી માહિતી પ્રમાણે દ્વારકા-સલાયામાં એક સાથે ૬૬ કિલો ડ્રગ્સ પકડાયું એ દેશના ઈતિહાસમાં સૌથી મોટો પર્દાફાશ છે. સત્તાવાર માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૫૫ દિવસમાં ૨૪૫ કરોડથી વધુની રકમનો ૫૭૫૬ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઉપરાંત ૯૦થી વધુ આરોપીને પોલીસે જેલભેગા કરી દીધા છે. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સના ૫૮ કેસ કરાયા છે. હજુ ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે.
ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં દરરોજ ડ્રગ્સનો એક નવો કેસ નોંધાયો છે અને બે પેડલર જેલની હવા ખાતા થઈ ગયા છે. સંઘવીએ પોતે ૫૭૫૬ કિલો ડ્રગ્સ પકડાયાનું કબૂલ્યું છે તેનો અર્થ એ થાય કે, ગુજરાતમાંથી છેલ્લા બે મહિનામાં દરરોજ ૧૦૦ કિલો કરતાં વધારે ડ્રગ્સ પકડાયું છે. જે ડ્રગ્સ પકડાયું તેની કિંમત ૨૪૫ કરોડ રૂપિયા છે એ જોતાં રોજનું સરેરાશ સાડા ચાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું કહેવાય. સંઘવીએ પોતે ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાયું છે એ વાતને અતિ ગંભીર ગણાવી છે. પણ કમનસીબે આપણે ત્યાં આ દૂષણ ગંભીરતાથી નથી લેવાયું. આ વાસ્તવિકતા છે અને તેનો સૌથી મોટુ ઉદાહરણ મુંદ્રા ડ્રગ્સકાંડ છે. લગભગ બે મહિના પહેલાં એટલે કે ૧૩ સપ્ટેમ્બરે ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી હેરોઈનનાં બે કન્ટેનર પકડાયાં હતાં. લગભગ ત્રણ હજાર કિલો જેટલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૧ હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાતું હતું. મુંદ્રા પોર્ટ અત્યારે જેમના નામના સિક્કા પડે છે એ અદાણી જૂથ દ્વારા કચ્છમાં વિકસાવાયેલું ખાનગી બંદર છે. આ ખાનગી બંદર પર અફઘાનિસ્તાનના કંદહારથી ડ્રગ્સ લવાયુ હતુ. અફઘાનિસ્તાનની હસન હુસેન લિમિટેડ દ્વારા ભારતમાં મોકલાવાયેલું આ ડ્રગ્સ આંધ્ર પ્રદેશના વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીએ મંગાવેલું. વિજયવાડાની કંપનીએ ટેલ્કમ સ્ટોનની આયાતના નામે આ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડેલું.  આશિ ટ્રેડિંગ કંપની મચવરમ સુધાકરણ અને તેની પત્ની દુર્ગા વૈશાલીની માલિકીની છે. આ કન્ટેનર આવ્યાં ત્યારે ડીઆરઆઈ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ તેમજ બીજી એજન્સીઓને શક પડતાં તપાસ થઈ તો તેમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ભારતના ઈતિહાસમાં એજન્સીઓએ પકડેલો આ ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે. ડ્રગ્સની કિંમત અબજો રૂપિયામાં છે તેના પરથી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેની ખબર પડે. ભારતના ઈતિહાસના સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો પછી તેની તપાસ જોરશોરથી થવી જોઈતી હતી. પણ કમનસીબે એવું ના થયું. અફઘાનિસ્તાનથી આવતા ડ્રગ્સનું મોટાભાગે આતંકવાદીઓ સાથે કનેક્શન હોય છે. તેથી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી છે. કમનસીબે આ એજન્સીએ કશું ઉકાળ્યું નહીં અને આ ડ્રગ્સ કૌભાંડના મૂળ લગી પહોંચાડવાના બદલે ફીફાં જ ખાંડ્યાં છે. 
મુંદ્રામાંથી પકડાયેલું ત્રણ હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં શું કરવા લવાયુ હતુ તેનો જવાબ હજુ પણ મળ્યો નથી. હવે ગુજરાતમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં શું થશે તે ખબર નથી પણ ડ્રગ્સના દૂષણને નાથવા હવે સરકારે ગંભીર બનવાની જરૂર છે. ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો છે અને આ દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ લાવવા થતો હોવાની શક્યતા પૂરી છે. પાકિસ્તાન આ દરિયાકિનારાનો ઉપયોગ પોતાના બદઈરાદાને પાર પાડવા કર્યા જ કરે છે. અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનની સત્તા છે અને તાલિબાન ડ્રગ્સના સૌથી મોટા વેપારી છે. તેથી ભારતમાં ડ્રગ્સને મોકલીને તે મોટો વેપાર કરી શકે છે.