હવે ખડગેએ PM મોદીને રાવણ કહ્યા

November 29, 2022

ગુજરાત ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢાં છે? મને સમજાતું નથી. રવિવારે સુરતમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાંના સરદાર જણાવ્યા હતા. 

બહેરામપુરામાં જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું- વડાપ્રધાન કહે છે- બીજે ક્યાંય ન જુઓ. મોદીને જોઈને મત આપો. કેટલીવાર તમારું મોઢુ જોઈએ? કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમારું મોઢું જોયું. MLAની ચૂંટણીમાં, MPની ચૂંટણીમાં મોઢું જોયું, દરેક જગ્યાએ, શું તમારી પાસે રાવણની જેમ 100 મોઢાં છે. મને સમજાતું નથી.

બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ મંગળવારે કહ્યું હતું કે ખડગે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી.

આ મામલે સંબિત પાત્રાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. સૌપ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે.