હવે માત્ર હલાલ મીટ જ ખાઈ શકશે ભારતીય ક્રિકેટર્સ! ટીમ ઈન્ડિયાના ડાયટ પર બબાલ

November 24, 2021

નવી દિલ્હી: બે દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા માટે નવો ડાયટ પ્લાન તૈયાર કરાયો છે. હવે એ પ્લાનને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખી તેમની પ્લેટમાંથી પોક અને બીફને હટાવી દેવાયા છે.

જો કોઈએ મીટ ખાવું છે તો માત્ર હલાલ સર્ટિફાઈડ મીટ જ ખાઈ શકશે. તે ઉપરાંત બીજા કોઈ પ્રકારનું માંસ ખાવાની મંજૂરી નથી. હકીકતમાં, ટી-20 વર્લ્ડ કપમાં હાર પછી ભારતે તાજેતરમાં જ પૂરી થયેલી ટી-20 સીરિઝમં ન્યૂઝીલેન્ડના સૂપડાં સાફ કર્યા હતા. હવે બે મેચની ટેસ્ટ સીરિઝનો વારો છે.

ટીમના આ વ્યસ્ત કાર્યક્રમ અને ખેલાડીઓના થાકને ધ્યાનમાં રાખતા ડાયટ ચાર્ટમાં ઘણા મોટા ફેરફાર કરાયા છે. કાનપુરમાં ગુરુવારથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનું કેટરિંગ મેન્યુ સામે આવ્યું. મેન્યુમાં ખાવાની વસ્તુઓનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો છે. ટીમ ઈન્ડિયાને એ સ્પષ્ટ નિર્દેશ અપાયો છે કે, બીફ અને પોક ખાવાનું નથી. ખેલાડીઓનું વજન વધે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

હલાલ અને ઝટકા મીટમાં શું ફરક છે?
હલાલ મીટમાં પ્રાણીની શ્વાસ નળીને કાઢી નાખવામાં આવે છે અને ત્યાર બાદ તેનું મોત થાય છે. બીજી તરફ ઝટકા મીટ માટે એક જ ઝટકે પ્રાણીનું કામ તમામ કરી દેવાય છે. હિંદુ અને શીખ ધર્મના માંસાહારી લોકો ઝટકા મીટને મહત્વ આપે છે, તો ઈસ્લામિક માન્યતાઓ મુજબ, હલાલ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના મીટની મનાઈનો ઉલ્લેખ હોય છે.