હવે જેલમાં ભૂલ સમજાશે, જજને આતંકી કહેતા અરજદારને સુપ્રિમ કોર્ટની ફટકાર

November 26, 2022

સુપ્રીમ કોર્ટના જજને 'આતંકવાદી' કહેનાર અરજદાર મુશ્કેલીમાં છે. સર્વોચ્ચ અદાલતે માત્ર તેની નારાજગી જ વ્યક્ત કરી ન હતી, પરંતુ રજિસ્ટ્રી વિભાગને કારણ બતાવો નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કડક ટિપ્પણી કરી હતી. SCએ કહ્યું- ન્યાયાધીશનું 'અપમાન' કરવા બદલ તેમની સામે ફોજદારી અવમાનનો કેસ કેમ ન ચલાવવામાં આવે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે અરજદારના આરોપોની નિંદા કરી અને કહ્યું- 'તમને થોડા મહિના જેલની અંદર મોકલવા પડશે, પછી તમને ખ્યાલ આવશે'. બેન્ચે ઠપકો આપતા કહ્યું- 'તમે સુપ્રીમ કોર્ટના જજ પર આ રીતે કોઈ આરોપ ન લગાવી શકો.'

શુક્રવારે સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ કેસની વહેલી સુનાવણીની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. અરજદાર માટે હાજર રહેલા વકીલે ફાઇલની તપાસ કર્યા પછી બેન્ચને કહ્યું કે તેણે અરજદારને આવા નિવેદનો કરવા માટે બિનશરતી માફી માંગવા કહ્યું છે.