500 સૌથી મુલ્યવાન કંપનીઓમાંથી 11 ભારતની, સૌથી વધુ અમેરિકાની 242 કંપનીઓ

January 13, 2021

11 ખાનગી ભારતીય કંપનીઓએ વિશ્વની 500 સૌથી કિંમતી કંપનીઓની યાદીમાં સ્થાન બનાવ્યું છે. હુરુન ગ્લોબલ 500માં (Hurun Global 500) સ્થાન મેળવનાર આ 11 કંપનીઓનું કુલ મૂલ્ય 14 ટકા વધીને 805 અરબ ડોલર થયું છે. તે ભારતની GDPનો લગભગ ત્રીજો ભાગ છે. 500 સૌથી કિંમતી કંપનીઓનાં મામલે કન્ટ્રીવાઇઝ ચાર્ટમાં ભારતનું સ્થાન 10મા ક્રમે છે.
હુરુન ગ્લોબલ 500ના અહેવાલ મુજબ વર્ષ 2020માં ITC અને ICICI બેન્ક સિવાય બિન સરકારી કંપનીઓની સૂચિમાં સમાવિષ્ટ આ બધી ભારતીય કંપનીઓના મૂલ્યમાં વધારો થયો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ વૈશ્વિક સૂચિમાં ભારતીય કંપનીઓનું નેતૃત્વ કર્યું છે. આરઆઈએલના મૂલ્યાંકનમાં 20.5 ટકાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો અને 1 ડિસેમ્બરના રોજ 168.8 અરબ ડોલર રહ્યો હતો. 500 સૌથી કિંમતી કંપનીઓની વૈશ્વિક સૂચિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 54મા ક્રમે છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનું મૂલ્ય 2020માં લગભગ 30 ટકા વધીને 139 અરબ ડોલર થયું છે. આ યાદીમાં કંપની 73મા ક્રમે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ભારતની બીજી સૌથી વધુ કિંમતવાળી કંપની છે. એ જ રીતે HDFC બેંક 11.5 ટકા વધીને 107.5 અરબ ડોલર, હિન્દુસ્તાન યુનિલિવર 3.3 ટકા વધીને 68.2 અરબ ડોલર, ઈન્ફોસિસ 56.6 ટકા વધીને 66 અરબ ડોલર, HDFC લિમિટેડ 2.1 ટકા વધીને 56.4 અરબ ડોલર અને કોટક મહિન્દ્રા બેંકની કિંમત 16.8 ટકા વધીને 50.6 અરબ ડોલર થઈ ગઈ છે.
ICICI બેંકનું કુલ મૂલ્યાંકન 2020 દરમિયાન 0.5 ટકા ઘટીને 45.6 અરબ ડોલર થયું હતું, અને કંપની ગ્લોબલ 500ની યાદીમાં 316મા ક્રમે છે. એ જ રીતે આઇટીસીનું વેલ્યુએશન પાછલા વર્ષે 22 ટકા ઘટીને 32.6 અરબ ડોલર થયું હતું અને તેનું રેન્કિંગ સૂચિમાં 480મા સ્થાને છે.
Apple ઇન્ક હુરુન ગ્લોબલ 500ની યાદીમાં ટોચ પર છે. એપલનું વેલ્યુએશન 2.10 લાખ કરોડ ડોલર છે. Apple પછી માઇક્રોસોફ્ટ અને એમેઝોન આ યાદીમાં છે, જેનું વેલ્યુએશન 1.60 લાખ કરોડ ડોલર છે. 500 સૌથી કિંમતી કંપનીઓની વૈશ્વિક સૂચિમાં 242 કંપનીઓ અમેરિકાની છે. આ પછી ચીનની 51 કંપનીઓ, જાપાનની 30 કંપનીઓએ સ્થાન બનાવ્યું છે.