ઓલી રોબિન્સનને ૮ વર્ષ જૂની ટ્વિટ ભારે પડી, ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ થયો

June 08, 2021

લંડન: પોતાની કારકિર્દીની પ્રથમ મેચમાં જ ડ્રીમ ડેબ્યૂ કરીને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપનાર ઇંગ્લેન્ડના બોલર ઓલી રોબિન્સનને કારકિર્દીની બીજી મેચ રમે તે પહેલાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં તેણે લગભગ આઠ વર્ષ પહેલાં કરેલી ટ્વિટના કારણે તેને સસ્પેન્ડ કરાયો છે. આ ટ્વિટે તેના માટે અનેક મુશ્કેલીઓ સર્જી છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે શિસ્ત સમિતિની તપાસનું પરિણામ આવે નહીં ત્યાં સુધી તેને ઇન્ટરનેશનલ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. તે હવે ગુરુવારથી એજબેસ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. ઇસીબીએ આ બાબતને સમર્થન આપીને જણાવ્યું હતું કે ઓલી રોબિન્સન તાત્કાલિક અસરથી ઇંગ્લેન્ડનો કેપ છોડીને તેની કાઉન્ટી ક્લબ સસેક્સ સાથે જોડાશે.
રોબિન્સને કબૂલાત કરી હતી કે તેણે ટીન એજ (યુવાવસ્થા)માં સોશિયલ મીડિયામાં જાતિવાદ અને લિંગભેદ અંગે કોમેન્ટ કરી હતી. તેણે આ બાબત માટે માફી પણ માંગી લીધી હતી. આ ખેલાડીએ પોતાની પ્રથમ ટેસ્ટ માટે જેવો લોર્ડ્ઝ ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો કે તેની આઠ વર્ષ જૂની ટ્વિટ વાઇરલ થઇ હતી. રોબિન્સને પ્રથમ દાવમાં ૭૫ રનમાં ચાર તથા બીજા દાવમાં ૨૬ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. તેણે પ્રથમ દાવમાં ૪૨ રનનું યોગદાન પણ આપ્યું હતું.
ઇંગ્લેન્ડના સુકાની જોઇ રુટે જણાવ્યું હતું કે મેદાનમાં પ્રદર્શનના આધારે રોબિન્સનનું પદાર્પણ શાનદાર રહ્યું હતું પરંતુ મેદાનની બહાર તેણે જે કર્યું છે તે સહેજ પણ ચલાવી લેવાય નહીં. રોબિન્સને બેટ અને બોલ બંને દ્વારા મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં ઘણો સફળ થઇ શકે છે. જ્યાં સુધી મેદાન બહારની બાબતોનો પ્રશ્ન છે તો તે ક્રિકેટની જેન્ટલમેન રમતમાં સ્વીકાર્ય નથી. આ બાબતથી અમે તમામ માહિતગાર છીએ.