'ઓમ બિરલા ઈશ્યૂ નથી કરતાં...', રાહુલનો પાસપોર્ટ રદ કરવાની માગ કરતાં ભાજપ સાંસદને મળ્યો જવાબ

September 25, 2024

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદનને લઈને થયેલો વિવાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો. હવે રાજસ્થાનના ચિત્તોડગઢથી ભાજપના સાંસદ સીપી જોશીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ચિઠ્ઠી લખી રાહુલ ગાંધીનો પાસપોર્ટ રદ કરવાની માગ કરી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ચિઠ્ઠી લખ્યા બાદ સીપી જોશીએ કહ્યું, 'રાહુલ ગાંધીના ભાષણોથી દેશના સામાન્ય નાગરિકને તકલીફ પહોંચી છે. દેશની બહાર જઈને દેશનું અપમાન કરવાનો અધિકાર રાહુલ ગાંધીને કોણે આપ્યો? મેં લોકસભા સ્પીકરને પત્ર લખીને તેમનો પાસપોર્ટ જપ્ત કરવાની માગ કરી છે. કાં તો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષના પદ પરથી રાજીનામું આપે અથવા સરકાર તેમનો પાસપોર્ટ જપ્ત કરી લે.' ભાજપ સાંસદની ચિઠ્ઠી પર કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ મનિકમ ટાગોરે કહ્યું કે, ભાજપના નેતા મજાક કરે છે. ભાજપ સાંસદ સ્પીકરને લખે છે કે, રાહુલ ગાંધીનો પાસપોર્ટ રદ કરી દો. લોકસભા સ્પીકર પાસે પાસપોર્ટના અધિકાર થોડી છે? ભાજપ સાંસદને ખબર જ નથી કે, પાસપોર્ટ કોણ રદ કરે છે. સાંસદ બનવું અલગ વાત છે અને વસ્તુઓની જાણકારી રાખવી અલગ વાત છે. ઓમ બિરલા પાસપોર્ટ ઈશ્યૂ નથી કરતાં.