ગાંધીનગર જિ.પં.માં ભાજપના સદસ્યો વચ્ચે ચાલતી યાદવાસ્થળી સપાટી પર

January 12, 2022

પ્રમુખ સામે ખુદ ભાજપના જ સદસ્યોની બગાવત

ગાંધીનગર- ગાંધીનગર જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં પ્રમુખ દિલીપ પટેલને નીચા જોણું જેવી સ્થિતી થઇ હતી. પ્રમુખને જિલ્લાના પ્રવાસ દરમિયાન કામો સુચવવા મળેલી ગ્રાંટ પરત ખેંચી લેવાનો ખુદ તેમની પાર્ટીના જ સદસ્યોએ સામાન્ય સભામાં ઠરાવ કરી દીધો હતો. ઉપરોક્ત ઘટના પરથી પ્રમુખ અને ખુદ તેમની પાર્ટી ભાજપના સદસ્યો વચ્ચે ચાલતી યાદવાસ્થળી પ્રથમ વખત સપાટી પર આવી હતી. સદસ્યોનો આરોપ હતો કે, પ્રમુખ તેમની ગ્રાંટ વાપરવામાં નિષ્ફળ રહ્યા છે. માત્ર પ્રમુખ જ નહી પરંતુ જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમની ગ્રાંટ પણ પરત ખેંચી લીધી હતી. આ બંનેને તેઓ જ્યારે જિલ્લાના પ્રવાસ દરમિયાન હોય ત્યારે જરૂર જણાય ત્યાં વિકાસના કામો માટે કોઇની મંજુરી લેવી પડે નહી અને તાત્કાલીક કામ થઇ શકે તે માટે સ્વભંડોળમાંથી અલગથી અનુક્રમે સવા કરોડ અને પોણા કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.


ભાજપના જ સદસ્યોનો આરોપ છે કે, પ્રમુખ અને ડીડીઓએ આ ગ્રાંટમાંથી અત્યાર સુધીમાં એક ફદિયુ પણ વાપર્યુ નથી. એટલુ જ નહી પરંતુ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા રૂપાલ ગામમાં પણ ઘન કચરાના નિકાલ માટે ગાડી ખરીદવા માટે માંગ કરવામાં આવેલી દસ લાખની ગ્રાંટ પણ પ્રમુખે આજદિન સુધી આપી નથી. એટલેકે, ખુદ સાંસદના મતવિસ્તારના ગામના વિકાસમાં પણ પ્રમુખને કોઇ રસ ન હોય તેમ સદસ્યોએ પ્રમુખ પર આડકતરો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બે દાયકા બાદ ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થયુ છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ સામે ખુદ ભાજપના સદસ્યોએ રીતસરની તલવાર ખેંચી લીધી હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. પ્રમુખ ગ્રાંટ વાપરતા નહી હોવાના આક્ષેપની સાથેસાથે ભાજપના પલિયડના સદસ્ય અનિલ પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતોકે, પ્રમુખ કમલમના આદેશને પણ ધોળીને પી રહ્યા છે. કમલમમાંથી દરેક સદસ્યોને ગ્રાંટ ફાળવવા પ્રમુખને આદેશ અપાયો છે. પરંતુ તેની પણ અમલવારી કરવામાં આવતી નથી. ભાજપના અન્ય સદસ્યોએ પણ ગ્રાંટ મામલે પ્રમુખની કાર્યપ્રણાલી સામે વાંધો ઉઠાવ્યો હતો.