મોરબી પુલ દુર્ઘટના સુઓમોટો:હાઈકોર્ટની ગુજરાત સરકાર સામે નારાજગી, કહ્યું- મૃતકોને 4 લાખનું વળતર એ પૂરતું નથી, 10 લાખ ચૂકવો

November 24, 2022

અમદાવાદ: હાલ મોરબી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, મોરબીના ઝુલતા બ્રિજ હોનારતમાં સંચાલક ઓરેવા ગ્રૂપ સામે તપાસ કેમ ન કરાઈ ? હાઈકોર્ટે સરકારે કહ્યું કે, તમે ઓરેવા ગ્રૂપ સામે શું પગલું લીધાં. તો આ સુનાવણી દરમિયાન ઓરેવા સંચાલકોનું નામ FIRમાં ન હોવાનું રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો.

દરમિયાન આજે મોરબી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમયાન ગુજરાત માનવ અધિકાર આયોગે રિપોર્ટ રજૂ કર્યો હતો. આયોગ દ્વારા પીડિતોને અપાયેલા વળતર અંગેનો પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનો માટે સરકારે જે વળતર જાહેર કર્યું છે તે ઓછું છે. કોર્ટે કહ્યું કે, મોરબી દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. કોર્ટે ઈજાગ્રસ્તોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, ઈજાગ્રસ્તોને 50-50 હજારની વળતરની જાહેરાત કરાઈ છે તે પણ ઘણું ઓછું છે. સાથે સાથે આવા તમામ બ્રિજનો રિપોર્ટ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે 10 દિવસમાં આવા તમામ બ્રિજનો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં મોરબી પુલ દુર્ઘટના અંગે સુનાવણી કરાઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે મોરબીનો પુલ તુટવાની ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે જ આ ઘટનાને મોટુ હોનારત પણ ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને કહ્યું હતું કે આ સમગ્ર મામલાની નિયમિત સુનાવણી કરવામાં આવે કે જેથી જે પણ ગુનેગારો છે તેને કાયદાના સકંજામાં લાવી શકાય. સુપ્રીમ કોર્ટે આ મામલાની પહેલાથી જ સુનાવણી કરી રહેલી ગુજરાત હાઇકોર્ટને કહ્યું છે કે તે આ મામલા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ વિચાર કરે. 

પુલ તૂટવાની ઘટનાનો મૃત્યુઆંક 141

30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર આવેલા બ્રિટિશ શાસનના પુલ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 141 લોકોના મૃત્યુ થયા ગયા હતા. પોલીસે મોરબી પુલનું સંચાલન કરનારા ઓરેવા ગ્રૂપના ચાર લોકો સહિત 9 લોકોની 31મી ઓક્ટોબરે ધરપકડ કરી હતી.