રિલીઝ થયાના બીજા જ દિવસે લાલસિંહના 1300, રક્ષાબંધનના 1000 શો કેન્સલ

August 13, 2022

મુંબઈ : સમગ્ર બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં ચારે બાજુ 'લાલસિંહ ચઢ્ઢા' અને'રક્ષાબંધન'ના ફિયાસ્કાની ચર્ચા છે. આમિર ખાન અને અક્ષય કુમાર બોલીવૂડમાં બોક્સ ઓફિસ પર સફળતાની ગેરન્ટી જેવા સ્ટાર્સ મનાતા હતા. તેમની ફિલ્મોની એટલી હદે ખરાબ હાલત થઈછે કે રિલીઝ થયાના બીજા જ દિવસે લાલસિંહના ૧૩૦૦ અને રક્ષાબંધનના ૧૦૦૦ શો કેન્સલ થયાનું જાણવા મળ્યું છે. 
એક્ઝિબિટર્સ સૂત્રોએ જણાવ્યુ હતું કે ગુરુવારે આ બંને ફિલ્મોએ સરેરાશ ૧૨થી ૧૫ ટકાની ઓક્યુપેન્સી પ્રાપ્ત કરી હતી પરંતુ શુક્રવારે તો તેમાં પણ ૬૦ ટકાનો ઘટાડો થયો હતો. પહેલા જ દિવસના કંગાળ શોને જોતાં સંખ્યાબંધ મલ્ટીપ્લેક્સ દ્વારા આ ફિલ્મોના સ્ક્રિન કાઉન્ટ ઘટાડી દેવાયા હતા. કેટલાંય સિંગલ સ્ક્રિન દ્વારા પણ શો ઘટાડાયા હતા. એક એક્ઝિબિટરે જણાવ્યું હતું કે સરેરાશ ૨૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતાં ઓડિયોટિરયમમાં ૧૦-૨૦ લોકો માટે શો ચલાવવાનો કોઈ મતલબ નથી.  ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર પહેલા દિવસે લાલસિંહની કમાણી ૧૧.૫૦ કરોડ રહી છે. કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ટૂએ પહેલા દિવસે ૧૪.૧૧ કરોડની કમાણી કરી હતી. ફ્લોપ પુરવાર થયેલી બચ્ચન પાંડે એપણ ૧૩.૨૫ કરોડની કમાણી કરી હતી. આમ, આમિર જેવા સ્ટાર્સ માટે દાયકામાં આ સૌથી નીચું ઓપનિંગ છે.  બીજી તરફ રક્ષાબંધનની પહેલા દિવસની કમાણી માંડ આઠ કરોડ રહી છે. અક્ષયની જ આગલી બે ફ્લોપ ફિલ્મો બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ કરતાં પણ આ કમાણી ઓછી છે.  હવે જો શનિ-રવિ અને સોમવારની સ્વાતંત્ર્ય દિનની રજાના દિવસે પણ આ ફિલ્મો થોડીઘણી નહીં ઊંચકાય તો મંગળવારથી મોટાભાગનાં થિયેટર્સમાંથી તે અદૃશ્ય થવા લાગશે. આ મોરચે જોકે, ટ્રેડના સૂત્રો લાલસિંહ કરતાં પણ રક્ષાબંધન માટે વધારે આશાવાદી છે. તેમના મતે ફેમિલી ઓડિયન્સના કારણે પણ રક્ષાબંધનની હાલત કદાચ થોડીઘણી સુધરી શકે છે.