શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરવા સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી

August 08, 2022

સોમનાથ  : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ઉભા રહી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા. યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોના ૐ નમઃ શિવાય... હર હર મહાદેવના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બન્યાની અનુભુતી લોકો કરી રહ્યા હતા. શ્રાવણ માસના બીજા સોમવારને લઈ સોમનાથ મંદિરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી હતી. તો ટ્રસ્ટના અંદાજ મુજબ મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખુલ્યા બાદ 8 વાગ્યા સુધીમાં એટલે ચાર કલાકમાં 15 હજારથી ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.

શિવની ભક્તિ માટે અતિઉત્તમ ગણાતા એવા પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિરે સવારે આજે પ્રાત શણગારમાં મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબર સાથે ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહારનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. તેમજ પ્રાતઃ મહાપૂજા આરતી કરવામાં આવેલ જેના દર્શન કરી શિવ ભક્તો ભાવવિભોર બની ગયેલ નજરે પડતા હતા. તો સવારે 8 વાગ્યે મહાદેવની વિવિધ પૂજાવીધીનો ભાવિકોને હસ્તે પ્રારંભ થયો હતો. આજે સવારે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાજપ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિતના મહાનુભાવોએ પણ સોમનાથ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી.