ફરી એક વખત રિટાયરમેન્ટ પાછું ખેંચશે સ્ટોક્સ, રોહિતની વાત સાચી પડી

September 25, 2024

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ફરી એકવાર વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. જોકે તેણે એક શરત મૂકી છે કે હું માત્ર એક વ્યક્તિના કહેવા પર જ પરત ફરીશ. બેન સ્ટોક્સે સંકેત આપ્યા હતા કે તે ઇંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની ટીમમાં વાપસી કરવા તૈયારી બતાવી છે. જોકે આ અહેવાલ આવતાની સાથે જ રોહિત શર્મા ચર્ચામાં આવી ગયો છે. કારણ કે તેણે કહેલી વાત સાચી ઠરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને જ્યારે અઠવાડિયા અગાઉ એક પત્રકારે ટી 20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા અંગે સવાલ કર્યો તો રોહિત શર્માએ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું હતું કે આજકાલ ક્રિકેટ વર્લ્ડમાં સંન્યાસ એક મજાક બની ગયો છે. લોકો જાહેરાત કરે છે અને પછી પાછા રમવા આવી જાય છે. હાં, ભારતમાં આવું ખૂબ ઓછું જોવા મળ્યું છે પણ હું બીજા દેશોના ખેલાડીઓને જોઈ રહ્યો છું. તેઓ સંન્યાસની જાહેરાત કરી દે છે અને પાછા વાપસી કરીને ક્રિકેટ રમવા લાગે છે. અમે તો કન્ફ્યૂઝ થઇ જઈએ છીએ.   ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ બાદ સ્ટોક્સે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપ 2024માં પણ રમ્યો નહોતો, પરંતુ હવે તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.