ફરી એકવાર મેદાનમાં બેટિંગ કરતા જોવા મળશે દાદા : જાણો કઈ ટીમ માટે રમશે સૌરવ ગાંગુલી

July 30, 2022

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. બેટ્સમેન દાદા લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં એક ખાસ ક્રિકેટ મેચ રમતા જોવા મળશે. જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે. 

ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે, તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની સીઝન 2માં એક ખાસ મેચ રમશે. હાલમાં LLC એ જાહેરાત કરી હતી કે આગામી સિઝન ભારતમાં હોસ્ટ કરવામાં આવશે. હવે ભારતીય ચાહકો ફરી એકવાર સૌરવ ગાંગુલીને રમતા જોઈ શકશે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદાના નામથી પ્રખ્યાત ગાંગુલીએ પણ આ મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેઓ હવે જીમમાં પરસેવો પાડતા જોવા મળશે. ગાંગુલીએ જિમની પોતાની તસવીરો પણ પોસ્ટ કરી છે અને તેમણે આ પોસ્ટના કેપ્શનમાં પોતાની લિજેન્ડ્સ લીગ ક્રિકેટ રમવાની પુષ્ટિ કરી છે.